મુખ્ય સમાચાર
News of Wednesday, 13th June 2018

આધ્યાત્મિક ગુરૂ ભૈય્યુજી મહારાજના અંતિમ દર્શન માટે મોટી સંખ્‍યામાં ભાવિકો અને પરિવારજનો ઉમટ્યાઃ પાર્થિવ દેહ પંચમહાભુતમાં વિલીનઃ પુત્રી કુહૂએ મુખાગ્નિ આપી

ઇન્‍દોરઃ આધ્યાત્મિક ગુરૂ ભૈય્યુજી મહારાજે ગઇકાલે બપોરે આત્મહત્યા કરી લીધા બાદ આજે તેમના પાર્થિવ દેહને દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો. જ્યાં મોટી સંખ્‍યામાં ભાવિકો અને પરિવારજનોએ પુષ્‍પાંજલિ અર્પણ કરી હતી. તેમની પુત્રી કુહૂએ મુખાગ્નિ આપી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર ભૈયુજી મહારાજે મંદીરના એક રૂમમાં આત્મહત્યા કરી હતી. દરવાજો તોડીને તેમને બહાર કાઢવામાં આવ્યા હતા અને હોસ્પિટલ લઇ જવાયા હતા.

જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. તેમના આ રૂમમાંથી નાની સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે, ' મારા પરિવારનું ધ્યાન રાખજો, હુ આ દુનિયા છોડીને જઇ રહ્યો છું, હું હાલ બહુ જ ચિંતાજનક સ્થિતિમાં છું જેને સહન નથી કરી શકતો.'

કોંગ્રેસના નેતાઓએ તેમના આપઘાતની તપાસની માગ કરી છે. જોકે જણાવવામાં આવી રહ્યું છે કે તેઓ પારિવારિક તણાવમાંથી પસાર થઇ રહ્યાં હતાં.

ભૈય્યુજી મહારાજને તાજેતરમાં જ મધ્ય પ્રદેશ સરકારે મંત્રીનો દરજ્જો આપ્યો હતો. જોકે, તેમણે આ મંત્રી પદનો સ્વીકાર કર્યો ન હતો. અણ્ણા હજારેનું આંદોલન સમાપ્ત કરાવવા માટે કેન્દ્ર સરકારે તેમને દૂત બનાવીને મોકલ્યા હતા, બાદમાં અણ્ણા હજારેએ તેમના ક હેવાથી ઉપવાસ છોડી દીધા હતા. આ ઘટના બાદ તેમનું નામ ચર્ચામાં આવ્યું હતું.

વડાપ્રધાન બનતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં સદભાવના ઉપવાસ પર બેઠા હતા. આ સમયે ભેય્યુજી મહારાજે તેમને ઉપવાસ ખોલાવ્યા હતા. ભૈય્યુજી મહારાજના આશ્રમની મુલાકાત અનેક નેતાઓ લઈ ચુક્યા છે. જેમાં વડાપ્રધાન મોદી, વિલાસરાવ દેશમુખ, શરદ પવાર, લતા મંગેશકર, ઉદ્ધવ અને રાજ ઠાકરે, આશા ભોંસલે, અનુરાધા પૌડવાલ, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલનો સમાવેશ થાય છે.

ભૈય્યુજી મહારાજે પ્રથમ પત્નીના મોત બાદ ગયા વર્ષે જ બીજા લગ્ન કર્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભૈય્યુ મહારાજે મંગળવારે બપોરે સિલ્વર સ્પ્રિંગ સ્થિત પોતાના મકાનના બીજા માળે લમણે ગોળી મારી લીધી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા ત્રણ દિવસથી તેઓ પારિવારિક વિવાદથી પરેશાન હતા. આ જ કારણે તેમણે ડિપ્રેશનમાં આવીને આપઘાત કરી લીધો હતો.

(7:13 pm IST)