મુખ્ય સમાચાર
News of Wednesday, 13th June 2018

અબુ સાલેમને જેલમાં પણ સુવિધા જોઇએ છેઃ સુર્ય પ્રકાશ મળતો નથી, શાકાહારી ભોજન જ ખાવુ પડે છે તેવી ફરિયાદ કરીઃ જેલ સત્તાવાળાઓ કહે છે કે તેની તબિયત ટનાટન છે, આરોપો પાયાવિહોણા

મુંબઇઃ આજીવન કેદની સજા ભોગવી રહેલ ગેંગસ્ટર અબુ સાલેમને જેલમાં પણ સુવિધા જોઇએ છે અને આ માટે તેણે ફરિયાદ કરી છે.

મુંબઇની જેલમાં સજા ભોગવી રહેલા ગેંગસ્ટર અબુ સાલેમે પોર્ટુગિઝ ઓથોરિટીને એવી ફરીયાદ કરી છે કે, જેલ સત્તાવાળાઓ તેને ખાવામાં ચિકન આપતા નથી અને તેને ફરજિયાત શાકાહારી બનાવી દીધો છે.

અબુ સાલેમને પોર્ટુગલે ભારત પરત મોકલ્યો હતો અને તેના પર વિવિધ કેસો પર ખટલો ચાલ્યો હતો. હાલ સાલેમ મુંબઇની તલોજા જેલમાં કેદ છે. પોર્ટુગલના અધિકારીઓએ મંગળવારે સાલેમની મુલાકાત લીધી હતી. કેમ કે, સાલેમે એવી ફરિયાદ કરી હતી કે, તેની જિંદગી ખરતામાં છે. અબુ સાલેમ પોર્ટુગલની નાગરિક્તા પણ ધરાવે છે.

અબુ સાલેમના વકીલ સબા કુરેશીએ કહ્યું કે, “અબુ સાલેમે તેમને કહ્યુ છે કે, જેલમાં આપવામાં આવતા ભોજનની ગુણવત્તા યોગ્ય નથી અને તેને માત્ર શાકાહારી ભોજન જ ખાવું પડે છે. તેની બેરેકમાં પૂરતો સૂર્યપ્રકાશ પણ આવતો નથી. તેનું સંડાસ સાંકડુ અને ગંદુ છે અને તેના કારણે તે માંદો પડી જાય છે. તેણે તેની આંખની ઝાંખપ વિશે પણ તબીબોને ફરિયાદ કરી હતી. મુંબઇમાં ડોક્ટરોને બતાવવાની જરૂર છે પણ જેલ સત્તાવાળાઓ તેને જવા દેતા નથી. કેમ કે, તેની સાથે જવા માટે પુરતો સ્ટાફ નથી. અબૂ સાલેમને તેના પરિવારજનોને મળવા દેવાતો નથી.

જેલ સુપ્રિટેન્ડેન્ટ સદાનંદ ગાયકવાડે કહ્યું કે, અમે તેને ચિકન આપી શકીએ નહીં. જો ડોક્ટર કહે કે કેદીને ઇંડા આપવા જોઇએ તો અમે તેને ઇંડા આપી શકીએ. તે જેલ કેન્ટિનમાંથી ઇંડા ખરીદી શકે છે. બીજુ કે, બીજા કેદીઓ પણ તેના જેવી જ બેરેકમાં રહે છે. બધાને હવા-ઉજાસ મળે જ છે. અબુ સાલેમ કાયમ તેની તબિયત વિશે ફરિયાદો કર્યા કરે છે પણ ડોક્ટરો કહે છે કે, તેની તબિયત ટનાટન છે. એના આરોપો પાયા વિહોણા છે. સાલેમ હાલ આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે.

(7:11 pm IST)