મુખ્ય સમાચાર
News of Wednesday, 13th June 2018

વિરાટ કોહલીએ આપેલી ફીટનેસ ચેલેન્જ મોદીએ પુરી કરીઃ જારી કર્યો વિડીયોઃ કુમારસ્વામીને નોમીનેટ કર્યા

વિડીયોમાં મોદી અનેક પ્રકારના યોગાભ્યાસ કરતા અને કસરતો કરતા દેખાય છેઃ મોદીએ ટેબલ ટેનીસ પ્લેટર મોનીકા બત્રા અને ૪૦ વર્ષથી ઉપરના આઈપીએસ ઓફિસરોને પણ ફીટનેસ ચેલેન્જ આપી

નવી દિલ્હી, તા. ૧૩ :. વડાપ્રધાન મોદીએ ટીમ ઈન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલીની ફીટનેસ ચેલેન્જનો સ્વીકાર્ય કર્યો છે. આજે વડાપ્રધાને પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ફીટનેસનો વિડીયો જારી કર્યો છે. જેમા તેઓ યોગા કરતા દેખાય રહ્યા છે. અત્રે નોંધનીય છે કે, મોદીએ કોહલીએ ફીટનેસ ચેલેન્જનો સ્વીકાર કરતા કહ્યુ હતુ કે, હું ટૂંક સમયમાં જ મારી ફીટનેસનો વિડીયો જારી કરીશ.

પીએમ મોદીએ પોતાના મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ દ્વારા સોશ્યલ મીડીયા પર શરૂ કરવામાં આવેલી ફીટનેસ ચેલેન્જમાં ભાગ લીધો છે એટલુ જ નહી તેમણે રાજકીય વિરોધીઓને પડકાર પણ ફેંકયો છે. પીએમ મોદીએ આજે ટ્વીટર પર પોતાની સવારની કસરતનો એક વિડીયો પોસ્ટ કર્યો છે. તે પછી તેમણે કર્ણાટકના સીએમ કુમાર સ્વામીને ફીટનેસ ચેલેન્જ આપી છે. હવે એ જોવાનું રોચક બનશે કે કુમાર સ્વામી મોદીની આ ચેલેન્જનો શું જવાબ આપે છે.

પીએમ મોદીએ કુમાર સ્વામી ઉપરાંત ટેબલ ટેનીસ પ્લેયર મનીકા બત્રા અને દેશભરના આઈપીએસ ઓફિસરોને પણ ફીટનેસ ચેલેન્જ આપી છે કે જેમની ઉંમર ૪૦થી વધુ હોય.

પીએમ મોદીએ ટ્વીટમા લખ્યુ છે કે તેઓ એક એવા ટ્રેક પર ચાલે છે જે પ્રકૃતિના પાંચ તત્વો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશથી પ્રેરીત હોય. પીએમએ લખ્યુ છે કે હું શ્વાસની કસરત પણ કરૂ છું. આ વિડીયોમાં પીએમ બુદ્ધની પ્રતિમા સમક્ષ અનુલોમ-વિલોમ કરતા દેખાય છે. આ ઉપરાંત તેઓ પીએમ હાઉસના ગ્રાઉન્ડમાં વિવિધ કસરત કરી રહ્યા છે. પીએમ એક એવા ગોળ ટ્રેક પર ચાલતા દેખાય છે જેના પર માટી, લાકડા, કાંકરા, પાણી વગેરે છે. જેને પીએમ પ્રકૃતિના પંચ તત્વોથી પ્રેરીત કસરત કહે છે.

(11:04 am IST)