મુખ્ય સમાચાર
News of Wednesday, 13th June 2018

'ફ્રોડ ભારતીયો' માટે સ્વર્ગ બની રહ્યું છે બ્રિટન?

વિજય માલ્યા, નિરવ મોદી, લલિત મોદી, મ્યુઝીક ડાયરેકટર નદીમ વગેરે લંડનમાં

નવી દિલ્હી તા. ૧૩ : નીરવ મોદી, લલિત મોદી, વિજય માલ્યા... બસ આ ત્રણ જ ઉદાહરણ નથી, જેમણે ભારતમાંથી નાસીને બ્રિટનમાં શરણ લીધી હોય. વાસ્તવમાં આ લિસ્ટ બહુ લાંબું છે. ૨૦૧૩થી અત્યાર સુધી ભારત છોડીને નાસી ગયેલા ૫૫૦૦થી વધુ લોકોએ બ્રિટનમાં રાજકીય શરણ માટે અરજી કરી છે. ખાસ વાત એ છે કે, તેમાંથી તમામ અપરાધીઓ નથી. હવે સવાલ એ છે કે, આખરે ભારતીયો માટે લંડન જ સીધો અને સરળ રસ્તો કેમ બની રહ્યું છે?

યુરોપિયન કન્વેન્શન ઓન હ્યુમન રાઇટ્સ (ECHR) પર યુકેએ હસ્તાક્ષર કર્યા છે અને તે અંતર્ગત યુકેના ન્યાયતંત્રને એવું લાગે છે કે, કોઈ વ્યકિતને પ્રત્યર્પિત કરવામાં આવે તો તેને પરેશાન કરવામાં આવી શકે છે અથવા તો મોતની સજા આપવામાં આવી શકે છે કે પછી રાજકીય કારણોથી વ્યકિતનું પ્રત્યર્પણ કરવામાં આવ્યું હોય તો તે પ્રત્યર્પણની અપીલને ફગાવી શકે છે.

કેટલાક ચર્ચિત ભારતીયો દ્વારા બ્રિટનમાં શરણ માગવા પાછળનું મુખ્ય કારણ નાણાં સાથે સંકળાયેલું છે. મ્યુઝિક ડિરેકટર નદીમ સૈફી હોય, ભૂતપૂર્વ IPL કમિશનર લલિત મોદી, કિંગફિશર એરલાઇન્સનો વિજય માલ્યા કે પછી હીરાનો કારોબારી નીરવ મોદી હોય, આ તમામ ભારતીયો બેંકિંગ સિસ્ટમમાંથી લગભગ બે અબજ ડોલરથી વધુનું ફ્રોડ કરવાના આરોપી છે. 'ફાઇનાન્શિયલ ટાઇમ્સ'ના અહેવાલ મુજબ, અબજપતિ હીરા કારોબારી નીરવ મોદીએ હાલમાં જ UKમાં રાજકીય શરણ માગી છે. તેણે દાવો કર્યો છે કે, જો તે ભારત પાછો ફરશે તો તેનું રાજકીય ઉત્પીડન થઈ શકે છે.

ભારત અને બ્રિટને ૧૯૯૩માં પ્રત્યર્પણ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા, પરંતુ તેની પર કોઈ ડેવલપમેન્ટ થયું નથી. ભારતે ૨૦૦૮માં મર્ડર કેસમાં આરોપી યુકેના નાગરિક મનિન્દર સિંહ કોહલીને પ્રત્યર્પિત કર્યો હતો, પણ યુકેએ ભારતના પ્રત્યર્પણની તમામ અરજીઓ રોકી રાખી છે. તેમાં બ્રિટિશ નાગરિક રેમન્ડ વર્લેનું નામ પણ સામેલ છે. ગોવામાં તે બાળ યોનશોષણનો આરોપી છે.

જો નીરવ મોદીની અરજીને મંજૂર કરવામાં આવે તો તે નિશ્ચિત થઈને ઓછામાં ઓછાં પાંચ વર્ષ સુધી ત્યાં રહી શકે છે. ત્યાર બાદ તે તેને રિન્યુ પણ કરી શકે છે.(૨૧.૬)

(10:04 am IST)