મુખ્ય સમાચાર
News of Wednesday, 13th June 2018

નૈનીતાલમાં લાગ્યા ‘હાઉસફુલ’! ના બેનરો : ખાનગી વાહનો શહેરમાં નહીં લાવવા અપીલ

નૈનીતાલના તમામ પાર્કિંગ સ્થળોની કેપેસીટી કરતા બમણા વાહનો પ્રવેશ કરે છે

નૈનીતાલ: ઉત્તરાખંડના લોકપ્રિય પર્યટન સ્થળ નૈનીતાલના મુખ્ય સર્કલો પર નૈનીતાલ હાઉસફુલના બેનરો લાગ્યા છે.નૈનીતાલના અધિકારીઓએ પોતાના ખાનગી વાહનોમાં આવી રહેલા લોકોને અપીલ કરી છે કે તેઓ પોતાની ગાડીઓ શહેરની સરહદની બહાર છોડીને જ શહેરમાં પ્રવેશ કરે. શહેરમાં ઠેર-ઠેર આ અંગેની સૂચના આપતા બોર્ડ લગાવવામાં આવ્યા છે.

  ઉત્તરાખંડ હાઈકોર્ટે શહેરમાં ટ્રાફિકની વ્યવસ્થાને લઈને અધિકારીઓને ઠપકો આપ્યો હતો. તે પછી આ પગલું ઉઠાવાયું છે. નૈનીતાલના ટ્રાફિક પોલીસ વડા મહેશ ચંદ્રએ જણાવ્યું કે, બેનર ગઈકાલે (સોમવારે) લગાવવામાં આવ્યા, કેમકે અધિકારીઓને ટ્રાફિક કન્ટ્રોલ કરવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે. તેમણે જણાવ્યું કે, નૈનીતાલમાં 12 પાર્કિંગ સ્થળ છે, જેમાં કુલ 2,000 ફોર વ્હીલરને રાખી શકાય છે., પરંતુ શહેરમાં દરરોજ 3થી 4 હજાર વાહન આવી રહ્યા છે.

   અધિકારીઓએ જણાવ્યું કે, દિલ્હી અને ઉત્તરપ્રદેશથી વીકેન્ડમાં પ્રવાસીઓ આવે છે ત્યારે સ્થિતિ નિયંત્રણથી બહાર થઈ જાય છે. તેમણે કહ્યું કે, ‘એવી સ્થિતિમાં અમારી પાસે પ્રવાસીઓને શહેરની સરહદની બહાર વાહન છોડીને આવવાનો આગ્રહ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. પ્રવાસીઓના વાહનોને શહેરની બહારના વિસ્તાર કાલાડુંગી, નારાયણ નગર, રૂસી બાયપાસ પાસે અસ્થાયી રીતે રોકવામાં આવી રહ્યા છે.

(12:17 am IST)