મુખ્ય સમાચાર
News of Wednesday, 13th June 2018

પાયમાલી માટે નોટબંધી જવાબદાર : વીડિયોકોને પીએમ મોદી પર ફોડ્યું ઠીકરું

નવી દિલ્હી: વીડિયોકોન ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના 39,000 કરોડ રૂપિયાના દેવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, સુપ્રીમ કોર્ટ અને બ્રાઝીલ સરકાર પર ઠીકરું ફોડ્યું છે. ગત સપ્તાહે રૂપિયા આપનારાઓની અરજી સ્વીકાર કર્યા બાદ નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલ વીડિયોકોન સામે બેન્ક્રપ્સી લો અંતર્ગત સુનાવણી કરી રહ્યું છે. આ લોન આપનારાઓમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પણ સામેલ છે. લોન આપનારાઓની માગ છે કે, આગામી 6 મહિનામાં કંપનીની બોલી લગાવવામાં આવે.

  પોતાના બચાવમાં વીડિયોકોને પણ અરજી કરી છે. કંપનીનું કહેવું છે કે, વડાપ્રધાન દ્વારા લેવાયેલા નોટબંધીના નિર્ણયને કારણે કેથોડ રે ટ્યૂબનો સપ્લાય બંધ થઈ ગયો અને એ કારણે ટેલીવિઝનનો બિઝનેસ ઠપ થઈ ગયો. બ્રાઝીલમાં રેડ ટેપને કારણે ગેસ અને ઓઈલ બિઝનેસ પ્રભાવિત થયો અને સુપ્રીમ કોર્ટ દ્વારા લાઈસન્સ કેન્સલ કરાયા બાદ ટેલિકોમ્યુનિકેશન્સ બિઝનેસ પણ રોકાઈ ગયો.

   અત્રે ઉલ્લેખનીય છે કે, ગત પાંચ વર્ષમાં કંપનીના શેરમાં 96 ટકાનો ઘટાડો થયો છે. મંગળવારે તેના એક શેરની કિંમત માત્ર 7.56 રૂપિયા રહી. આ રીતે કંપની દેવાળું ફૂંકવાના આરે આવી ગઈ છે

(12:12 am IST)