મુખ્ય સમાચાર
News of Thursday, 13th May 2021

ચીની અબજપતિએ કવિતા શરે કરતા નેટવર્થમાં ઘટાડો

ચીનની અત્યંત ચોંકાવનારી ઘટના : મિટ્યુઅન કંપનીના ચેરમેન-સીઈઓએ એક કવિતા શેર કરી હતી, જેમાં ચીનના કિન રાજવંશની ટીકા કરાઈ હતી

બેઈજિંગ, તા. ૧૨ : ચીનથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. ચાઈનીઝ અબજપતિ અને મિટ્યુઅનના સીઈઓ વાંગ જિંગ દ્વારા સોશિયલ મીડિયા પર ૧૧૦૦ વર્ષ જૂની ચીની કવિતા શેર કરવાથી નેટવર્થમાં  ૨.૫ બિલિયન ડોલર (૧૮,૩૬૫ કરોડ રૂપિયાથી વધુ)નો ઘટાડો થયો છે. ગત ૬ મેના રોજ કંપનીના ચેરમેન અને સીઈઓએ એક કવિતા શેર કરી હતી. જેમાં ચીનના કિન રાજવંશની ટીકા કરાઈ હતી. આ રાજવંશે બુદ્ધિજીવી વર્ગના વિરોધને દબાવવા માટે પુસ્તક બાળી મૂક્યું હતું. ચીની સોશિયલ મીડિયા પર અનેક લોકોએ આ કવિતાને રાષ્ટ્રપતિ શી જિનપિંગ દ્વારા સમર્થિત એન્ટિમોનોપોલી અભિયાન વિરુદ્ધ ગણાવી. જેને સરકાર અને જિનપિંગની ટીકા ગણવામાં આવી.

સોશિયલ મીડિયાથી હવે મૂળ પોસ્ટ તો હટી ગઈ છે પરંતુ જ્યાં સુધીમાં આ પોસ્ટ હટી ત્યાં સુધીમાં તો કંપનીને મોટું નુકસાન થઈ ચૂક્યું હતું. કંપનીએ હાલમાં જ ૧૦ બિલિયન ડોલર ભેગા કર્યા હતા પરંતુ તેને ૨ દિવસમાં જ માર્કેટ વેલ્યૂમાં ઇં ૩૦ બિલિયનનું નુકસાન થઈ ગયું. તેની પાછળનું કારણ રોકાણકારોમાં ગભરાહટ છે. શંઘાઈ કંઝ્યૂમર કાઉન્સિલે જણાવ્યું કે તેણે ગ્રાહકોના અધિકારોનો ભંગ કરવાના આરોપ લગાવતા મિટ્યુઅન અને ઈ કોમર્સ ફર્મ પિનડુઓડુઓને તલબ કર્યા છે. આ કારણોથી મંગળવારે મિતુઆનના શેર ૫.૩ ટકા તૂટીને ૭ મહિનાના નીચલા સ્તરે જતા રહ્યા.

હોંગકોંગ સ્થિત ઈફ્યૂઝન કેપિટલના ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર ફ્રેડ વોંગ કહે છે કે મને લાગે છે કે મેનલેન્ડના રોકાણકારોએ કવિતા પર વધુ ધ્યાન આપ્યું છે. જ્યારે આંતરરાષ્ટ્રીય રોકાણકારો કંપનીના ડિલિવરી કરનારા કર્મચારીઓના ખર્ચા વધવાથી વધુ ચિંતિત છે.

(12:00 am IST)