મુખ્ય સમાચાર
News of Wednesday, 13th May 2020

૮૪ ટકા લોકોની આવક ઘટી : ૩૪%નું ગાડુ ૧ સપ્‍તાહ ચાલશે

દેશના એક તૃત્‍યાંશ પરિવારોને ૧ સપ્‍તાહમાં મદદ નહિ મળે તો મોટી સમસ્‍યા સર્જાશે : ર૧ માર્ચે બેરોજગારીનો દર ૭.૪ ટકા હતો જે પ મી મેના રોજ રપ.પ ટકા થઇ ગયો : એપ્રિલમાં ર.૭ કરોડ યુવા બેકાર બન્‍યા

નવી દિલ્‍હી, તા. ૧૩ : દેશમાં લગભગ એક તૃત્‍યાંશ પરિવારો પાસે હવે ફકત એક અઠવાડીયાનો માલ સામાન રહ્યો છે. ત્‍યાર પછી જો તેમને મદદ નહીં મળે તો તેઓ મોટી મુશ્‍કેલીમાં મૂકાઇ શકે છે. આ વાત સેન્‍ટર ફોર મોનીટરીંગ ઇન્‍ડીયન ઇકોનોમીના હાઉસ હોલ્‍ડ સર્વેના આંકડાઓ પર આધારીત એક સર્વેમાં કહેવાઇ છે.

પરિવારોની આવક પર લોકડાઉનની અસર અંગેના આ અભ્‍યાસના પરિણામો મંગળવારે જાહેર કરાયા હતા. જેમાં જાણવા મળ્‍યું કે લોકડાઉન દરમ્‍યાન લગભગ ૮૪ ટકા પરિવારોની માસિક આવકમાં ઘટાડો થયો છે. આખા દેશમાં ૩૪ ટકા પરિવારો એ કહ્યું કે વધારાની મદદ વગર તેઓ પોતાની ગાડી એક અઠવાડીયાથી વધારે ખેંચી શકે તેમ નથી.  આ અભ્‍યાસમાં જાણવા મળ્‍યું કે બેરોજગારીમાં થયેલ ઝડપી વધારાથી પરિવારોની આવકમાં ઘટાડો થયો છે. સીએમઆઇઇના ત્રિમાસિક કન્‍ઝયુમર પિરામીડસ હાઉસ હોલ્‍ડ સર્વે અનુસાર, ર૧ માર્ચે બેરોજગારીનો દર ૭.૪ ટકા હતો જે પાંચ મેના રોજ રપ.પ ટકા થયો છે. દિલ્‍હી, પંજાબ અને કર્ણાટકને ઓછી અસર થઇ છે. જયારે બિહાર, હરિયાણા અને ઝારખંડ સૌથી વધુ અસરગ્રસ્‍ત રાજયો છે. આ સર્વેમાં એ પણ જાણવા મળ્‍યું કે શહેરી પરિવારોમાંથી ૬પ ટકા એ કહ્યું કે તેમની પાસે એક અઠવાડીયા સુધીની પૂરતી સગવડ છે, તો ગ્રામ્‍ય વિસ્‍તારોના પ૪ ટકા લોકોએ પણ એમ કહ્યું છે.

 

(11:03 am IST)