મુખ્ય સમાચાર
News of Monday, 13th May 2019

દેશમાંથી ખાંડની નિકાસનો આંકડો 21.29 લાખ ટને પહોંચ્યો

બાંગ્લાદેશ, શ્રીલંકા, સોમાલિયા, અફઘાનિસ્તાન અને ઇરાન ભારતીય ખાંડના મુખ્ય ગ્રાહકો બન્યા

 

મુંબઇઃ ચાલુ સુગર સિઝન 2018-19 દરમિયાન દેશમાંથી અત્યાર સુધીમાં 21.29 લાખ ટન ખાંડની નિકાસ કરાઈ હોવાનું ઓલ ઇન્ડિયા સુગર ટ્રેડ એસોસિએશન (એઆઇએસટીએ) દ્વારા જણાવવામાં આવ્યું છે. જ્યારે તેની અગાઉની સુગર સિઝન 2017-18 દરમિયાન માત્ર 5 લાખ ટન ખાંડના નિકાસ કામકાજ થયા હતા.

એસોસિએશને  જણાવ્યું કે, ગત 1લી ઓક્ટોબરથી 6 એપ્રિલના સમયગાળા દરમિયાન દેશમાંથી જે 21.29 લાખ ટન ખાંડની નિકાસ કરવામાં આવી છે જેમાં રો-સુગરનો 9.76 લાખ ટન જથ્થો હતો. અને હવે વધુ રૂ. 7.24 લાખ ટનનો જથ્થો નિકાસ થવાની તૈયારીમાં છે.

એસોસિએશનના સીઇઓ આર.પી. ભાગરિયાએ જણાવ્યું કે, આમ તો અત્યાર સુધીમાં 30 લાખ ટન ખાંડના નિકાસ કરાર કરવામાં આવ્યા છે. જેમાંથી સુગર મિલોમાંથી 28.53 લાખ ટનનો જથ્થો રવાના કરી દેવામાં આવ્યો છે.

ગત વર્ષે વૈશ્વિક બજારમાં ભાવ નીચા હોવાથી ભારત માત્ર 5 લાખ ટન જેટલી ખાંડની નિકાસ કરી શક્યું હતું. નીચા ભાવે ભારતને નિકાસ કરવામાં બિનસ્પર્ધાત્મક બનાવી દીધું હતું.

બાંગ્લાદેશ, શ્રીલંકા, સોમાલિયા, અફઘાનિસ્તાન અને ઇરાન ભારતીય ખાંડના મુખ્ય ગ્રાહકો બન્યા છે.

વર્ષ 2018-19ના માર્કેટિંગ વર્ષ માટે કેન્દ્ર સરકારે વધારાના જથ્થાનો નિકાલ કરવા માટે 50 લાખ ટન ખાંડની નિકાસનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. ખાંડની નિકાસ વધારવા માટે કેન્દ્ર સરકાર વિવિધ રીતે પ્રોત્સાહનો પણ આપી રહી છે.

(10:17 pm IST)