મુખ્ય સમાચાર
News of Monday, 13th May 2019

નામદારોનું મિશન માત્ર મોદીને પરાજિત કરવા માટેનું છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મિશન ભારતને જીતાડવા માટેનું છે : ઝંઝાવતી પ્રચારમાં દાવો : જે લોકો પોતે જામીન ઉપર છે તે લોકો ચોકીદારને ગાળો આપવા નવી ગાળો શોધી રહ્યા છે : ઘણા સમૃદ્ધ દેશ પણ મફત ઇલાજની સુવિધા ન આપી શક્યા

સોલન,તા. ૧૩ : હિમાચલ પ્રદેશના સોલનમાં ચૂંટણી સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ફરી એકવાર કોંગ્રેસ પાર્ટી ઉપર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સામ પિત્રોડા દ્વારા સીખ વિરોધી રમખાણ ઉપર આપવામાં આવેલા નિવેદનને લઇને મોદીએ કહ્યું હતું કે, આ લોકો પોતાના પૂર્વજોના નામ પર મત માંગે છે પરંતુ જ્યારે પુર્વજોને લઇને પ્રશ્ન કરવામાં આવે છે ત્યારે કહે છે હુઆ તો હુઆ. સોલનના ઠોડો મેદાનમાં મોદીએ કહ્યું હતું કે, આ મહામિલાવટી લોકો અમારા સૈનિકોની, અમારા જવાનોની માન મર્યાદા અને શોર્યનું સન્માન કરતા નથી. આ લોકો અમારા સેના અધ્યક્ષને પણ ગાળો આપતા ખચકાતા નથી. કોંગ્રેસ સરકારમાં અમારી સેના બુલેટ પ્રુફ જેકેટની માંગ કરી રહી હતી પરંતુ કોંગ્રેસ પાર્ટી છ વર્ષથી આ માંગને ટાળી રહી હતી. અમારા બાળકો આતંકવાદીઓ અને નક્સલવાદીઓના શિકાર થતાં રહ્યા છે જ્યારે કોઇ લોકો પ્રશ્ન કરતા હતા ત્યારે જવાબમાં હુઆ તો હુઆ કહેતા હતા. વડાપ્રધાને દાવો કર્યો હતો કે, અગાઉની સરકારની સરખામણીમાં છેલ્લા પાંચ વર્ષના ગાળામાં સંરક્ષણ પ્રોડક્ટમાં ૮૦ ટકાનો વધારો થયો છે. કોંગ્રેસની સ્થિતિ આજે દેશમાં મત કાપનાર પાર્ટી તરીકે થઇ ગઇ છે. આનુ કારણ એ છે કે, નામદાર જે કહે છે તે વાતને પાર્ટીના લોકો સાચી માની લે છે. જે લોકો પોતે જામીન ઉપર છે તે લોકો સેવકને પોતાની ડિક્શનરીમાંથી નવી નવી ગાળો આપવામાં વ્યસ્ત રહે છે પરંતુ આ ગાળોથી ચોકીદાર ભયભીત થશે નહીં. નામદારોનું મિશન માત્ર મોદીને સત્તાથી દૂર રાખવા માટેનું છે પરંતુ મોદીનું મિશન ભારતને જીતાડવા માટેનું છે. આ લોકો મોદીને હરાવવામાં લાગેલા છે જ્યારે મોદી દેશને જીતાડવામાં લાગેલા છે. મોદીએ ક્યું હતું કે, કોંગ્રેસ અને તેમના તમામ મહામિલાવટી સાથીઓએ પોતાના ૧૦ વર્ષના શાસન કાળમાં તમામ મોટા નિર્ણયોને ટાળતા રહ્યા હતા પરંતુ જમીનથી લઇને આસમાન સુધી કૌભાંડો કરતા રહ્યા હતા જ્યારે અખબારોમાં તેમના કારનામા અને અહેવાલો પ્રકાશિત કરવામાં આવતા હતા ત્યારે તમામ બાબતો લોકો સુધી પહોંચતી હતી.  આજે પણ નામદાર અને તેમના સગા સંબંધીઓ જામીન ઉપર છુટેલા છે. આયુષ્યમાન ભારત યોજનાનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું હતું કે, આજે સમગ્ર દુનિયાના અનેક સમૃદ્ધ દેશ પણ પોતાના ત્યાંના લોકોને પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવારની સુવિધા આપી શક્યા નથી પરંતુ આજે અમારા દેશમાં આયુષ્યમાન ભારત યોજનામાં ૫૦ કરોડ લોકોને પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર સરકાર તરફથી મફતમાં આપવામાં આવી રહી છે. કેન્દ્રમાં ચોકીદારની સરકાર દ્વારા આ તમામ સુવિધાઓ આપવામાં આવી રહી છે.

(7:22 pm IST)