મુખ્ય સમાચાર
News of Monday, 13th May 2019

મોદીએ મહાજનને કહ્યું, ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઇ લઇશ

પુત્ર મંદારને ફોન કરીને જમવાનું મંગાવ્યું અને એરપોર્ટ પર PMના સ્ટાફને આપ્યું

ઇન્દોર, તા.૧૩: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રવિવારે ઇન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઇન્દોર સીટના હાલના સાંસદ સુમિત્રા મહાજન (તાઇ) અને મોદીની વચ્ચે ખૂબ જ આત્મિયતા જોવા મળી હતી. મોદીએ ભાષણમાં ૧૦ વખત તેમનું નામ લીધું હતું. મોદીએ જતી વખતે કહ્યું કે તાઇ ખૂબ જ ભૂખ લાગી છે. ભોજન લાવ્યાં છો. તો હું ગાડીમાં ખાઇ લઇશ.

તાઇએ કહ્યું કે સુરક્ષાનાં કારણથી ન લાવી શકી. બાદમાં પુત્ર મંદારને ફોન કરીને ખાવાનું મંગાવ્યું અને એરપોર્ટ પર વડાપ્રધાનના સ્ટાફને સોંપ્યું. મોદીએ કહ્યું કે આ સુમિત્રા તાઇનું શહેર છે. તેમને આઠ વખત સાંસદ અને લોકસભાની અધ્યક્ષના રૂપમાં અમિટ છાપ છોડી છે. અમારી પાર્ટીમાં કોઇ મોદીને લડી શકે છે તો તે તાઇ છે.

આ પહેલાં મોદીએ સુમિત્રા મહાજનનાં કાર્યોનાં વખાણ કર્યા હતાં. મોદીએ એમ પણ કહ્યું કે હું ઇન્દોરને વિશ્વાસ અપાવું છે કે શહેરના વિકાસમાં તાઇજીની કોઇ પણ ઇચ્છા અધૂરી નહીં રહે. વડાપ્રધાને કહ્યું કે આજે અહીં આવ્યો તો લોકોએ ખૂબ જ પ્રેમ આપ્યો. મારે જે રસ્તો ૧૨ મિનિટમાં કાપવાનો હતો તેમાં ૨૮ મિનિટ લાગી. એક બાજુ રસ્તાની બંને તરફ મહિલાઓ વોલ બનીને ઊભી હતી. જો હું અહીં ન પહોંચત તો પણ અઘોષિત રોડ શો થઇ ગયો હતો. જો તમે આટલો પ્રેમ આપશો ઇન્દોરવાળાઓ તો તાઇએ મને જમાડવો પડશે.

કાફલો એરપોર્ટથી બડા ગણપતિ તરફ જઇ રહ્યો હતો ત્યારે શિક્ષકનગર પાસે લોકોનું ધાડું રસ્તા પર આવી ગયું હતું. મોદીના કાફલાને જોઇને લોકોએ સુરક્ષા માટે લાગેલું દોરડું તોડી નાંખ્યું. લોકો મોદીની કાર પાસે પહોંચી ગયા અને સેલ્ફી લેવા લાગ્યા. ભારે ભીડ નજીકમાં જોઇને મોદીએ પણ કારના કાચ ખોદી દીધા હતા.

(3:51 pm IST)