મુખ્ય સમાચાર
News of Monday, 13th May 2019

મત માટે મોબાઇલ, સાડી અને ઘરેણાની લ્હાણી

ગ્રામ્ય અને શહેરી મતદારોને લોભાવવાના પક્ષોના હથકંડા ગઇ ચૂંટણી કરતા ત્રણ ગણો સામાન જપ્ત

નવી દિલ્હી તા. ૧૩ :. ચૂંટણી પંચના લાખ પ્રયત્નો છતાં રાજકીય પક્ષો મતદારોને પ્રલોભન આપવાનું બંધ નથી કરતાં. ગામડાની મહિલાઓને સાડી અને ચાંદીની પાયલ સહિતના બીજા અભૂષણોનું પ્રલોભન આપવાનો પ્રયાસ કરાયો તો શહેરી મતદારોને મોબાઇલ સહિતના અન્ય ગેજેટસ દ્વારા રિઝાવવાના કેસો સામે આવેલા છે. ચૂંટણી પંચ તરફથી જપ્ત કરવામાં આવેલ સામાનના વિશ્લેષણ દ્વારા જાણવા મળે છે કે ગામડના અને શહેરોની જરૂરીયાત પ્રમાણે મતદારોને લોભાવવા માટે અલગ અલગ હથકંડા અજમાવાઇ રહ્યા છે.

મતદારોને ગેરકાયદેસર રીતે વિતરણ કરાતી સામગ્રી જપ્ત કરવા માટે ચૂંટણી પંચે દેશ વ્યાપી અભિયાન ચલાવ્યું છે. પંચના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે દિલ્હી સહિત દેશના અન્ય મહાનગરોમાં ઇલેકટ્રોનિક ઉપકરણો ખાસ કરીને સ્માર્ટ ફોન મોટી સંખ્યામાં જપ્ત કરાયા છે. નાના શહેરો અને તાલુકાઓમાં સ્માર્ટ વોચ, વાઇફાઇ ઇન્ટરનેટ ડીવાઇસ અને રસોઇમાં ઉપયોગી હેન્ડ ગ્રાઇન્ડર, મીક્ષર અને જયુસર જેવા ઉપકરણો અપાય છે. ઝૂપડપટ્ટીમાં મહિલા મતદારોને લોભાવવા સાડી, પાયલ, વિંછીયો, ગોલ્ડ પોલીસ કરેલી ચાંદીની ચૂડીઓ અને વીંટીઓ અપાઇ હતી.

ચૂંટણી પંચ જપ્ત કરવામાં આવેલી આ વસ્તુઓને, દારૂ, રોકડ, કિંમતી ધાતુઓ અને નશીલા પદાર્થ સિવાયની અન્ય લોભામણી વસ્તુઓના વર્ગમાં મુકે છે.

હજી લોકસભાની ચૂંટણી પુરી નથી થઇ પણ અત્યાર સુધીમાં ગેરકાયદેસર રીતે વિતરણ કરવામાં આવેલી સામગ્રી ગઇ ચૂંટણીની સરખામણીમાં લગભગ ત્રણ ગણી વધારે છે. સાથે જ જપ્ત કરવામાં આવેલ રોકડ, દારૂ અને નશીલા પદાર્થોમાં પણ ત્રણ ગણો વધારો થયો છે. અત્યાર સુધીમાં લગભગ ૩૪૦૦ કરોડ રૂપિયાની કિંમતના માલ જપ્ત કરવામાં આવ્યો છે.

(3:50 pm IST)