મુખ્ય સમાચાર
News of Monday, 13th May 2019

રમજાન દરમિયાન મતદાનના સમયમાં ફેરફાર કરતી અરજી સુપ્રીમે ફગાવી

કોર્ટે ચૂંટણી પંચના નિર્ણયને યોગ્ય ગણાવ્યો

નવી દિલ્હી તા. ૧૩ : રમજાન દરમિયાન મતદાન જલ્દી શરૂ કરવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. અરજીમાં માંગ કરવામાં આવી હતી કે રમજાન દરમિયાન સવારે ૭ વાગ્યાની જગ્યાએ સવારે ૫ વાગ્યાથી મતદાન શરૂ કરવામાં આવે જેથી રોજા રાખતા મુસ્લિમ સમાજના લોકોને મતદાનમાં પરેશાની ન થાય. સુપ્રીમ કોર્ટે આ માંગ પર સુનાવણી કરીને અરજી ફગાવી દીધી.

કોર્ટના આ નિર્ણય પહેલા ચુંટણી પંચના સૂત્રોના જણાવ્યા મુજબ મતદાન અધિકારી પહેલાથી જ વધી ચુકેલા કલાકોમાં કામ કરી રહ્યા છે, સાથે જ દરેક રાજ્યમાં સૂર્યોદયનો સમય અલગ - અલગ હોય છે એવામાં જો મતદાન સુર્યોદય પહેલા શરૂ થશે તો અતિરિકત સુરક્ષા વ્યવસ્થા અને પ્રશાસનિક બદલાવ કરવા પડશે. જોકે હવે તેમાં ફેરફાર શકય નથી.

જો કે ૧૦ માર્ચે જ્યારે મુખ્ય ચુંટણી કમિશ્નર સુનીલ અરોડાએ ચુંટણી તારીખોની ઘોષણા કરી હતી. તો તે સમયે પણ રમજાનમાં મતદાનનો સવાલ ઉઠાવ્યા હતા. મુખ્ય ચુંટણી આયુકતે કહ્યું હતું કે, સમજાનના પૂરા મહીના માટે ચુંટણી સ્થગિત કરવી શકય નથી. તેથી મુખ્ય તહેવાર દિવસો અને શુક્રવારનું ધ્યાન રાખવામાં આવ્યું છે.

ચુંટણી પંચની આ દલીલ વિરૂધ્ધ જઇને વકીલ નિઝામુદ્દીન પાશાએ સુપ્રીમમાં અરજી લગાવી અને માંગ રાખવામાં આવી કે, રમજાન દરમિયાન મતદાનનો સમય સવારે ૭ વાગ્યાથી બે કલાક પહેલા એટલે કે ૫ વાગ્યે કરવામાં આવે. ૨ મેના રોજ આ મુદ્દા પર સુપ્રીમ કોર્ટે ચુંટણી પંચને આ અરજી પર વિચાર કરવા માટે કહ્યું હતું.

(3:47 pm IST)