મુખ્ય સમાચાર
News of Monday, 13th May 2019

મુંબઈના ઓલરાઉન્ડર યુવા ક્રિકેટરે ઝેર ખાઈને કર્યો આપઘાત :ફ્લેટમાંથી તેની માતાનો પણ મળ્યો મૃતદેહ

વિરાર વિસ્તારના સાંઈનાથ નગરમાં ફલેટમાંથી પોલિસને બંનેના મૃતદેહ મળી આવ્યા.

મુંબઈમાં એક યુવા ક્રિકેટરે ઝેર ખાઈને આત્મહત્યા કરી લીધી છે. ક્રિકેટર સાથે તેની માતાનો મૃતદેહ પણ ફ્લેટમાંથી મળી આવ્યો છે. મુંબઈના વિરાર વિસ્તારના સાંઈનાથ નગરમાં એક ફ્લેટમાંથી પોલિસને બંનેના મૃતદેહ મળી આવ્યાછે . પ્રારંભિક તપાસમાં એ સામે આવી રહ્યુ છે કે બંનેએ ઝેર પીને આત્મહત્યા કરી લીધી છે. ક્રિકેટરનું નામ વિનોદ ચોગુલે (25) અને તેમની માનું નામ સરસ્વતી ચોગુલે (42) છે. પોલિસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને કેસની તપાસ શરૂ કરી દીધી છે.

આ ઘટના શુક્રવાર રાતની છે. રોજની જેમ જ્યારે સરસ્વતી ચોગુલેના ઘરનો દરવાજો ખુલ્યો તો પાડોશીઓને શંકા ગઈ અને એક પાડોશીએ બારીમાંથી ઘરની અંદર જોયુ. ફ્લેટની અંદર માતા-પુત્રનો મૃતદેહ પડ્યો હતો. પાડોશીઓએ ત્યારબાદ પહેલા પોલિસ અને બાદમાં સંબંધીઓને આ ઘટનાની સૂચના આપી. જો કે પોલિસ આવતા પહેલા જ પાડોશીઓ ઘરનો દરવાજો તોડીને બંનેને હોસ્પિટલ લઈ ગયા પરંતુ ત્યાં સુધીમાં ઘણુ મોડુ થઈ ચૂક્યુ હતુ. હોસ્પિટલમાં ડૉક્ટરે જણાવ્યુ કે બંનેનું મોત થઈ ચૂક્યુ છે.

 

આસપાસના લોકો પાસેથી મળેલી માહિતી મુજબ વિનોદ એક શ્રેષ્ઠ ઑલ રાઉન્ડર ક્રિકેટર હતો અને સૈબા ક્રિકેટ એકેડમીમાં રમતો હતો. આ ઉપરાંત વસઈ-વિરાર વિસ્તારના ઘણા બીજા ક્રિકેટર ક્લબ પણ સ્થાનિક ટુર્નામેન્ટમાં તેને પોતાની તરફ રમવા માટે બોલાવતા હતા. હાલમાં મૃતકોના સંબંધી અશોક ચોગુલેની ફરિયાદના આધારે વિરાર પોલિસે કેસ નોંધી લીધો છે. પોલિસને સ્થળ પરથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. પોલિસનું કહેવુ છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ તે આ કેસમાં કંઈ કહી શકશે.

(1:13 pm IST)