મુખ્ય સમાચાર
News of Monday, 13th May 2019

હવે આવશે યુનિવર્સલ ઋણમાફી યોજના

નાના ખેડૂતો, કારીગરો, લઘુ એકમો, અન્ય ગરીબોને આવરી લેવાશે : નવી સરકાર આવે ત્યારે યોજના તૈયાર હશેઃ વ્યકિતની આવક ઓછી હોય તેની એસેટ્સ મર્યાદાથી ઓછી હોય તો મળશે લાભ

નવી દિલ્હી, તા. ૧૩ : ભારતે લઘુ ઉદ્યોગો, નાના ખેડૂતો અને કારીગરોને ધ્યાનમાં રાખીને તમામ નાના ઋણધારકો માટે સાર્વત્રિક ઋણમાફી યોજના પર કામ શરૂ કર્યું છે. આગામી સરકાર રચાશે ત્યારે આ સ્કીમ અમલ માટે તૈયાર હશે. કંપની બાબતોના સેક્રેટરી ઇન્જેતિ શ્રીનિવાસે જણાવ્યું હતું કે, 'નાના ખેડૂતો, કારીગરો, લઘુ અકમો અને અન્ય વ્યકિતઓ માટે આ યોગ્ય માળખા સાથેની લોન માફી

સ્કીમ હશે.' કંપની બાબતોનું મંત્રાલય સ્કીમને આખરી ઓપ આપી રહ્યું છે. તે ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (આઇબીસી) હેઠળ આ મહત્ત્વનો ફેરફાર હશે. શ્રીનિવાસે જણાવ્યું હતું કે, આઇબીસી હેઠળ નાના ઋણધારકોને કોઇ ખાસ રાહત મળતી નથી. એટલે સ્કીમના અમલ માટે તેમાં વ્યકિતગત નાદારીના ચેપ્ટરમાં થોડા એમેન્ડમેન્ટ્સ કરવા પડશે. તેમણે જણાવ્યું હતું કે, 'ઘણા લોકો વાસ્તવમાં ગરીબ હોય છે. જોકે, તેમના માટે પણ કાયદો કોર્પોરેટ ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રક્રિયા જેટલો લાંબો અને ગંુચવણભર્યો છે.' કંપની બાબતોનું મંત્રાલય એકમ કવાર્ટરમાં આ સ્કીમની તૈયારી પૂરી કરવાનો ભરોસો ધરાવે છે.

ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી બોર્ડ ઓફ ઇન્ડિયા (આઇબીબીઆઇ)માં જ આ સ્કીમ ઓનલાઇન સિસ્ટમ રાખી શકાય. જેમાં એક ખાસ ટીમ અરજીઓની ચકાસણી કરી નિર્ણય લઇ શકે.

ઋણ માફીની યોજના અંગે શ્રીનિવાસે જણાવ્યું હતું કે, 'અમે માત્ર ઋણમાં રાહત આપવા આઇબીબીઆઇમાં પર્સનલ ઇન્વોલ્વન્સી સેલ અથવા ડિવિઝન બનાવી શકીએ. વ્યકિતની આવક નિર્ધારિત મર્યાદા કરતા ઓછી હોય અને તેની એસેટ્સ સ્કીમમાં દર્શાવેલી એસેટ્સની મર્યાદાથી ઓછી હોય તો નવી શરૂઆત કરી શકાય.'

સ્કીમ ફલેકિસબલ છે, જેથી વ્યકિત ક્રેડિટ હિસ્ટરીની રક્ષાનો વિકલ્પ પસંદ કરી શકે. શ્રીનિવાસે જણાવ્યું હતું કે, 'સ્કીમનો લાભ લેવા નહીં માગતી વ્યકિતને અમે એવું કરવાની મંજૂરી આપીશું. કારણ કે ? ઋણમાં રાહતને  કારણ વ્યકિતની ભવિષ્યમાં ધિરાણ લેવાની ક્ષમતા પર નેગેટિવ એસર થઇ શકે.' સ્કીમમાં નિર્ધારીત મર્યાદાથી ઓછી આવક અને એસેટ ધરાવતી વ્યકિતને ઋણમાં રાહત મળી શકશે. વાર્ષિક રૂ. ૬૦,૦૦૦ કે ઓછી વાર્ષિક આવક, રૂ.૩પ,૦૦૦ કે ઓછી લોન, રૂ. ર૦,૦૦૦ કે ઓછી એસેટ્સ ધરાવતી વ્યકિતને સ્કીમનો લાભ મળી શકશે. શ્રીનિવાસના જણાવ્યા અનુસાર સ્કીમના કારણે સરકારી તિજોરીને મહત્તમ રૂ. ર૦,૦૦૦ કરોડનો ખર્ચ થશે. જોકે તેનો લાભ નાની રકમની લોન લેનારા લાખો લોકોને મળશે. તેમણે જણાવ્યું હતું કે, 'ભૂષણ સ્ટીલના કેસમાં અમને રૂ. ૩૪,૦૦૦ કરોડ મળ્યા હતા, પણ તેમાં પણ ધિરાણકારોને રૂ. ર૦,૦૦૦ કરોડની હેરકટ (નુકશાન) વેઠવી પડી હતી. આ તો એક કંપનીની વાત છે.'

(11:05 am IST)