મુખ્ય સમાચાર
News of Tuesday, 13th April 2021

કોરોનાકાળમાં ડોક્ટરે રડતાં રડતાં રાજીનામું આપી દીધું

કોંગ્રેસના બે નેતા સામે કેસ દાખલ : કોરોનાકાળમાં જીવને જોખમમાં મૂકીને દર્દીઓની સારવાર કરતા ડોક્ટરો સાથે ગેરવર્તણૂંક કેવી રીતે ચલાવી શકાય?

ભોપાલ,તા.૧૩ : મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલના જેપી હોસ્પિટલમાં ડોક્ટર સાથે ગેરવર્તણૂંકના આરોપમાં પૂર્વ મંત્રી પીસી શર્મા અને પૂર્વ કોર્પોરેટર ગુડ્ડુ ચૌહાણ સામે કેસ દાખલ થયો છે. કોંગ્રેસ નેતાઓની ગેરવર્તણૂંકના બાદ ડોક્ટરે રડતા રડતા રાજીનામું આપ્યું હતું. એએસપી અંકિત જયસ્વાલે જણાવ્યું કે આ મામલે સીએમએચઓની ફરિયાદ બાદ બંને નેતાઓ વિરુદ્ધ શાસકીય કામમાં અડચણ પેદા કરવાનો કેસ દાખલ કરાયો છે.  ભોપાલના જયપ્રકાશ હોસ્પિટલમાં શનિવારે એક દર્દીનું મોત થયું. જેનાથી ગુસ્સે ભરાયેલા પરિજનોએ હોસ્પિટલમાં હંગામો કરી નાખ્યો. આ દરમિયાન પૂર્વ મંત્રી પીસી શર્મા પણ હોસ્પિટલ પહોંચ્યા અને ડોક્ટરોને તીખા સવાલ કર્યા.

આ હંગામા અને ગેરવર્તણૂંકથી વ્યથિત થઈને જય પ્રકાશ હોસ્પિટલના ડોક્ટર યોગેન્દ્ર શ્રીવાસ્તવે રડતા રડતા પોતાના પદેથી રાજીનામું આપી દીધુ. તેમણે કહ્યું કે, અમે આટલી મહેનત અને જીવ જોખમમાં મૂકીને કોરોના કાળમાં કામ કરી રહ્યા છીએ અને તેના પર અમારી સાથે ગેરવર્તણૂંક કરવામાં આવે, તે યોગ્ય નથી. હું આવામાં કામ કરી શકું નહીં. જો કે રાજીનામા બાદ સ્વાસ્થ્ય મંત્રી પ્રભુરામ ચૌધરીએ તેમને મનાવીને રાજીનામું પાછું ખેંચાવી લીધુ. ત્યારબાદ બે દિવસ પછી સોમવારે પોલીસે કેસ દાખલ કર્યો.  શહેરના ભીમ નગરમાં રહેતા તખ્ત સિંહ શાક્યને શ્વાસ લેવામાં પરેશાની થઈ રહી હતી. પરિજનો શનિવારે મોડી રાતે દર્દીને લઈને જેપી હોસ્પિટલ પહોંચ્યા. દર્દીને દાખલ કરીને ઓક્સિજન કિટ લગાવવામાં આવી.

દર્દીનો કોરોના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો. પરંતુ પરિજનોએ હોસ્પિટલ પર બેદરકારીનો આરોપ લગાવ્યો. ત્યારબાદ હોસ્પિટલમાં વિધાયક અને તેમના સાથીઓ પહોંચ્યા અને ડોક્ટર સાથે ગેરવર્તણૂંક કરવા લાગ્યા.  ડો. શ્રીવાસ્તવે જણાવ્યું કે દર્દીને ગંભીર હાલતમાં લાવવામાં આવ્યા. ઓક્સીજન લેવલ ખુબ જ ઓછું હતું. પરિજનોને કહ્યું કે તેમને  બહાર લઈ જઈ શકાય નહીં. તેમણે સારવારમાં ખુબ મહેનત કરી પરંતુ દર્દીનો જીવ બચી શક્યો નહીં.

(7:35 pm IST)