મુખ્ય સમાચાર
News of Tuesday, 13th April 2021

ભારત ઉપર પ્રતિબંધ મુકવો એ યુએસની ભુલ હશે : US સાંસદ

રશિયા પાસેથી મિસાઈલ ખરીદવાને લઈ યુએસ ખફા : અમેરિકા ભારત પર પ્રતિબંધ મુકશે તો અત્યારે મહત્વના સમયગાળામાં વ્યૂહાત્મક મોરચે અમેરિકા નબળુ પડશે

નવી દિલ્હી, તા. ૧૩ : ભારત દ્વારા રશિયા પાસે ખરીદવામાં આવેલી એસ-૪૦૦ મિસાઈલ સિસ્ટમને લઈને અમેરિકા નારાજ છે.

અમેરિકાએ ભારત પર રશિયા પાસેથી આ સિસ્ટમ ખરીદવામાં આવે તો પ્રતિબંધ મુકવાની પણ ધમકી આપી છે. જોકે અમેરિકાના જ એક સાસંદ અને રિપબ્લિકન પાર્ટીના નેતા ટોડ યંગે બાઈડન સરકારને ચેતવણી આપતા કહ્યુ છે કે, જો ભારત પર પ્રતિબંધ મુકયા તો તે બહુ મોટી ભૂલ હશે.

અમેરિકન સેનેટની વિદેશ મામલાની સમિતિના સભ્ય યંગે એક આર્ટિકલમાં લખ્યુ છે કે, જો અમેરિકા ભારત પર પ્રતિબંધ લગાવશે તો અત્યારે સૌથી મહત્વના સમયગાળામાં વ્યૂહાત્મક મોરચે અમેરિકા નબળુ પડશે. ભારત સાથેના સબંધો પર અસર થશે અને ચીન સાથે કામ પાર પાડવા માટે ચાર દેશોના સંગઠનની ક્ષમતા પણ પ્રભાવિત થશે. આ નિર્ણય લેવાથી ખરેખર તો રશિયાની જીત થશે. ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ એક કાયદો બનાવ્યો છે અને તે હેઠળ રશિયા પાસેથી લશ્કરી અને બીજી સંવેદનશીલ સામગ્રી ખરીદનારા દેશો પર અમેરિકા આ કાયદા હેઠળ પ્રતિબંધ લગાડતુ હોય છે. ભારતે એર ડિફેન્સ સિસ્ટમ એસ-૪૦૦ માટે રશિયા સાથે જ્યારથી સોદો કર્યો છે ત્યારથી અમેરિકા પ્રતિબંધ મુકવા માટે વારંવાર ધમકી આપી ચુક્યુ છે. જોકે ભારત રશિયા સાથેની આ ડીલ રદ કરવાના મૂડમાં નથી.

(7:32 pm IST)