મુખ્ય સમાચાર
News of Tuesday, 13th April 2021

સચિન વાઝેને ફરજમાંથી ડિસમિસ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ

તોડબાજી પ્રકરણમાં સંડોવણી બહાર આવી હતી : મુંબઈ પોલીસના કલમ ૩૧૧(૨) હેઠળ વાઝે સામે પગલા, રાજ્ય-કેન્દ્ર સરકારના કર્મીને નોકરીમાંથી બરતરફ કરવા

મુંબઈ, તા. ૧૩ : મસમોટા તોડ કરવાના અનેક કિસ્સામાં સંડોવણી બહાર આવ્યા બાદ આખરે મુંબઈ પોલીસના બદનામ અધિકારી સચિન વાઝેને સર્વિસમાંથી ડિસમિસ કરવાની પ્રક્રિયા શરુ કરી દેવાઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મુંબઈ પોલીસે આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર સચિન વાઝેને એનઆઈએના રિપોર્ટ બાદ નોકરીમાંથી રુખસદ આપવાની પ્રક્રિયા આરંભી દીધી છે. એનઆઈએએ પોતાના રિપોર્ટમાં સચિન વાઝે બહુચર્ચિત એન્ટિલિયા કેસમાં સંડોવણી ધરાવતો હોવાનું જણાવાયું છે. એટલું નહીં, જે સ્કોર્પિયોમાં વિસ્ફોટકો મૂકાયા હતા તેના માલિકની હત્યામાં પણ વાઝેનો હાથ હોવાનો પણ એનઆઈએએ દાવો કર્યો છે.

મુંબઈ પોલીસે કલમ ૩૧૧ () હેઠળ વાઝે સામે કાર્યવાહી શરુ કરી છે. કલમ હેઠળ રાજ્ય કે કેન્દ્ર સરકારના કર્મચારીને નોકરીમાંથી બરતરફ કરવા ઉપરાંત, તેમને નીચલી પાયરી પર ઉતારવામાં પણ આવે છે. આર્ટિકલ અનુસાર, જનહિતને ધ્યાનમાં રાખતા કોઈપણ અધિકારીને નોકરીમાંથી બરતરફ કરી શકાય છે. વળી, તેમાં ખાતાકીય તપાસ કરવાની પણ આવશ્યકતા નથી.

સામાન્ય કિસ્સામાં કોઈપણ અધિકારીને ડિસમિસ કરતાં પહેલા તેના વિરુદ્ધ ખાતાકીય તપાસ કરવામાં આવે છે. જેમાં તેની સામે લાગેલા આરોપમાં તથ્ય જણાઈ આવે તો તેને ડિસમિસ કરવામાં આવે છે. જોકે, કેટલાક કેસમાં જો આરોપી અધિકારી સામે ગવાહી આપવામાં કોઈ સાક્ષીને જીવનું જોખમ હોય તો તેવા કિસ્સામાં અધિકારીને ખાતાકીય તપાસ વિના પણ ડિસમિસ કરી શકાય છે તેમ એડવોકેટ અરવિંદ બંડીવાડેકરે જણાવ્યું હતું.

એક સિનિયર પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, એનઆઈએના રિપોર્ટમાં વાઝેની હત્યા તેમજ વિસ્ફોટકો મૂકવાના મામલે સામેલગીરી જણાઈ આવી છે. જેને જોતા તેની સામે યુએપીએ લાગુ કરવામાં આવ્યો છે. વાઝે સામે જે આરોપ છે, અને તેની સામે જે પુરાવા મળ્યા છે તે તેને ડિસમિસ કરવા માટે પૂરતા છે. તેના માટેની કાર્યવાહી શરુ કરી દેવાઈ છે અને કાયદાકીય અભિપ્રાય પણ મેળવાઈ રહ્યા છે. ભૂતકાળમાં પણ વાઝેની ખ્વાજા યુનુસ નામના ૨૦૦૨ના બોમ્બ બ્લાસ્ટ કેસના એક આરોપીના કસ્ટોડિયલ ડેથમાં સામેલગીરી સામે આવી હતી. જેમાં તેને ૧૭ વર્ષ માટે સસ્પેન્ડ કરાયો હતો. કેસને પણ તેને ડિસમિસ કરવાની પ્રક્રિયામાં ધ્યાને લેવાશે.

(7:29 pm IST)