મુખ્ય સમાચાર
News of Tuesday, 13th April 2021

રશીયન વેકસીન સ્પુટનિક બીજી રસીથી કઇ રીતે છે અલગ? તેની કિંમત શું હશે?

૯૨ ટકા જેટલી અસરકારક છે આ રસીઃ શું સાઇડ ઇફેકટ છે?

નવી દિલ્હી, તા.૧૩: ભારતમાં કોરોનાની નવી લહેરમાં કેસ રોકેટ નહીં પરંતુ મિસાઈલની ગતિએ આગળ વધી રહ્યા છે. જેના કારણે દેશના લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. તેની વચ્ચે આશાનું કિરણ રશિયાથી આવ્યું છે. ભારતને કોરોના સામેની લડાઈ માટે રશિયાની Sputnik-V રસી મળશે.

સોમવારે ડ્રગ કંટ્રોલરે રશિયાની રસી Sputnik-Vના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપી દીધી છે. તેની સાથે જ કોવેકિસન અને કોવિશીલ્ડ પછી Sputnik-V ત્રીજી રસી છે, જેને ભારતે મંજૂરી આપી છે. ભારત દુનિયાનો ૬૦મો દેશ છે જેણે Sputnik-V ને મંજૂરી આપી છે. કોરોના સંક્રમણ સામે રશિયાની રસી Sputnik-V ની એફિકેસી ફાઈઝર-બાયોનટેક અને મોડર્નાની રસી પછી સૌથી વધારે એટલે કે ૯૧.૬ ટકા છે.

સાયન્સ જર્નલ લેન્સેટના જણાવ્યા પ્રમાણે ૬૦ વર્ષથી ઉપરના લોકો પર જયારે Sputnik-V ની ટ્રાયલ કરવામાં આવી ત્યારે પહેલો ડોઝ લાગ્યા પછી ૨૧ દિવસ પછી તે લોકોમાં કોરોનાના ગંભીર કે મધ્યમ લક્ષણો જોવા મળ્યા ન હતા. અને આ એઝ ગ્રૂપમાં તેની એફિકેસી રેટ ૯૧.૮ ટકા નોંધવામાં આવી હતી. આ પ્રમાણે એ પરિણામ કાઢવામાં આવ્યું કે કોરોનાના ગંભીર કે મધ્યમ દર્દીઓ સામે રસી ૧૦૦% સફળ છે. તે સિવાય રશિયામાં ૧૮ વર્ષથી ઉપરના ૨૦ હજારથી વધારે વોલંટિયર્સ પર ટ્રાયલ કરવામાં આવી હતી. કુલ મળીને એ સામે આવ્યું કે કોરોના સામે રસી ૯૧.૬ ટકા અસરકારક છે. ભારતમાં ૧૩૦૦ વોલંટિયર્સ પર ફેઝ-૩માં તેની ટ્રાયલ કરવામાં આવી છે. જેના પરિણામ જૂન ૨૦૨૧ સુધી સામે આવવાની સંભાવના છે.

રસીને લઈને સૌથી મોટી મુશ્કેલી તેના સ્ટોરેજને લઈને થાય છે. પરંતુ રશિયાની રસી સાથે આ મુશ્કેલી નહીં થાય. Sputnik-V ની સાથે સારી વાત એ છે કે તેને ૨દ્મક ૮ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં સ્ટોર કરી શકાય છે. જે હાલની કોલ્ડ ચેન સપ્લાયમાં સરળતાથી ઉપલબ્ધ છે. એટલે તેના માટે કોલ્ડ ચેન ઈન્ફ્રાસ્ટ્રકચરમાં ખર્ચ કરવાની જરૂરિયાત નહીં પડે.

હજુ તેની કિંમતની કોઈ સત્ત્।ાવાર માહિતી સામે આવી નથી. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે Sputnik-V રસીના એક ડોઝની કિંમત ૧૦ ડોલરથી પણ ઓછી હશે. જે હાલના હિસાબે રૂપિયામાં ગણીએ તો ૭૫૦ રૂપિયાની આસપાસ થાય છે. આપણા દેશમાં હાલ જે કોવેકિસન અને કોવિશીલ્ડ મળી રહી છે તેના એક ડોઝની કિંમત ૨૫૦ રૂપિયા છે. જયારે સરકારી હોસ્પિટલમાં તેને ફ્રીમાં મૂકવામાં આવી રહી છે.

આ રસીનો એક ડોઝ ૦.૫ મિલીનો છે. જે ઈમ્યુનિટી બુસ્ટ કરે છે. પરંતુ રશિયાની આ રસી અનેક રીતે બીજી રસી કરતાં અલગ છે. કોવિશીલ્ડની જેમ આ રસી એડેનોવાયરસ વેકટરમાંથી બનાવવામાં આવી છે. પરંતુ તેના બંને ડોઝના વેકટર અલગ-અલગ છે. Sputnik-V  રસીનો પહેલો ડોઝ rAD26 પર આધારિત છે. જયારે બીજો ડોઝ rAD5 પર આધારિત છે. પરંતુ આ બંને વેકટર કોરોનાવાયરસની સામે પૂરતી એન્ટીબોડી તૈયાર કરે છે. આ બંને વેકટર કોવિડ-૧૯ સામે જવાબદાર સ્પાઈક પ્રોટીનને ટારગેટ કરે છે અને તેને ખતમ કરે છે. બંને ડોઝમાં અલગ-અલગ વેકટર ઉપયોગ કરવા પાછળનો તર્ક એ છે કે તેનાથી વધારે લાંબા સમય સુધી એન્ટીબોડી તૈયાર થઈ શકે છે.

આ રસીને લઈને અત્યાર સુધી કોઈપણ જાતની ગંભીર સાઈડ ઈફેકટ સામે આવી નથી. જોકે રસી લાગ્યા પછી સામાન્ય તાવ, દુખાવો, થાક જેવી સામાન્ય સાઈડ ઈફેકટ છે. પરંતુ તેનાથી કોઈ ગંભીર બીમારી કે મૃત્યુનો કેસ સામે આવ્યો નથી. લેન્સેટમાં છપાયેલા ડેટાનું માનીએ તો જે ૧૯,૮૬૬ વોલંટિયર્સને Sputnik-V રસીના બંને ડોઝ આપવામાં આવ્યા છે. તેમાંથી માત્ર ૭૦ લોકોમાં જ ગંભીર સાઈડ ઈફેકટ જોવા મળી હતી. તેમાંથી પણ ૨૩ એવા હતા જે પ્લેસિબો ગ્રૂપના હતા એટલે તે લોકો ટ્રાયલમાં હતા પરંતુ તેને રસી લગાવવામાં આવી ન હતી. ટ્રાયલ દરમિયાન ૪ વોલંટિયર્સના મૃત્યુ થયા હતા. પરંતુ આ તે લોકો હતા જેમને પહેલાંથી જ કોઈ ગંભીર બીમારી હતી.

જે પ્રમાણે ઓકસફર્ડ-એસ્ટ્રાજેનેકાની રસીને સીરમ ઈન્સ્ટીટ્યૂટ બનાવી રહ્યું છે. તે જ પ્રમાણે રશિયાની રસીને ભારતની ડો.રેડ્ડી લેબ બનાવશે. Sputnik-V ને રશિયાના ગામેલિયા ઈન્સ્ટીટ્યૂટે રશિયન ડાયરેકટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ (RDIF)ની ફંડિગથી બનાવી છે. ભારતમાં Sputnik-V ને હૈદરાબાદની ડો.રેડ્ડી લેબ્સ સાથે મળીને ટ્રાયલ કરીછે. અને તેના પ્રોડકશનનું કામ પણ આ લેબ જ સંભાળી રહી છે. ડો.રેડ્ડી લેબ ઉપરાંત RDIFએ ૫ ભારતીય કંપનીઓની સાથે રસીના પ્રોડકશન માટે ટાઈ-અપ કર્યું છે. તે અંતર્ગત વર્ષમાં Sputnik-V ના ૪૦થી ૫૦ કરોડ ડોઝ બનાવવામાં આવશે. જયારે દુનિયાની વાત કરીએ તો રસીના પ્રોડકશન માટે RDIFએ ૧૦ થી વધારે દેશની કંપનીઓ સાથે કરાર કર્યો છે. જેથી વર્ષમાં ૭૦ કરોડથી વધારે ડોઝ તૈયાર થઈ શકે.

કયા-કયા દેશોમાં ઉપયોગ થઈ રહ્યો છે Sputnik-V નોઃ

Sputnik-V દુનિયાની પહેલી કોરોના રસી છે. જેને ગયા વર્ષે ૧૨ ઓગસ્ટે રશિયાની સરકારે ઈમરજન્સી યૂઝ માટે મંજૂરી આપી દીધી હતી. અત્યાર સુધી આ રસીનો ઉપયોગ ૫૯ દેશ કરી રહ્યા છે. ભારત ૬૦મો દેશ છે. જેણે Sputnik-V ના ઉપયોગની મંજૂરી આપી છે. Sputnik-V  રસીનો ઉપયોગ કરનારા દેશોમાં આજર્િેન્ટના, બોલીવિયા, સર્બિયા, અલ્જિીરયા, ફિલીસ્તીન, મ્યાનમાર, પાકિસ્તાન, મંગોલિયા, બહેરીન, ઉઝબેકિસ્તાન, સેન-મરીનો, સીરિયા, કિર્ગીસ્તાન, ઈજિપ્ત, હોન્ડુરાસ, ગ્વાટેમાલા, માલડોવા, સ્લોવેકિયા, અંગોલા, શ્રીલંકા, ઈરાક, કેન્યા, મોરોક્કો, જોર્ડન, સેશલ્સ, મોરેશિયસ, વિયેતનામ, માલી અને પનામા સહિત ૫૯ દેશનો સમાવેશ થાય છે.

(3:45 pm IST)