મુખ્ય સમાચાર
News of Tuesday, 13th April 2021

નેટ ફલીક્ષની ડોકયુસીરીઝ 'સર્ચીંગ ફોર શીલા'

ઓશોના ટોચના અનુયાયી મા આનંદશીલાના ચર્ચાસ્પદ જીવન પર આધારિત

દરેક પ્રકારે વિવાદાસ્પદ પાત્રમાં આનંદશીલા પર આધારિત એક ડોકયુસીરીઝ 'સર્ચીગ ફોર શીલા'નું ટ્રેઇલર નેટફલીક્ષે મુકયુ છે. કરણ જોહર દ્વારા બનાવાયેલ આ ડોકયુસીરીઝ 'સર્ચીગ ફોર શીલા'ની ઘણાં સમયથી રાહ જોવાઇ રહી હતી હવે તેને નેટફલીક્ષ પર ૨૨ એપ્રિલથી શરૂ કરવાની બધી તૈયારીઓ થઇ ચૂકી છે.

મા આનંદશીલા એક સમયે ભગવાન રજનીશના ટોચના સહાયક મદદનીશ હતા. તેણી તેમના સૌથી વિશ્વાસુ સલાહકાર હતા એટલું જ નહીં અમેરિકાના ઓરેગોન આશ્રમનું સંચાલન પણ કરતા હતા. પણ જયારે મા આનંદશીલા પર આરોપો મુકાયા અને બાયો ટેરરીઝમ કાયદા હેઠળ તેમને અમેરિકામાં જેલ થઇ અને ઓશોએ પણ તેના પર ખુની હોવાના આક્ષેપો કર્યા ત્યારે પરિસ્થિતી અચાનક બદલાઇ ગઇ.

૩ વર્ષ જેલમાં ગાળ્યા પછી જયારે તે પેરોલ પર છૂટીને સ્વીઝરલેન્ડમાં શાંતિપૂર્ણ જીવન જીવવા ગયા ત્યાર પછી ૨૦૧૮માં રીલીઝ થયેલ નેટફલીક્ષની ડોકયુમેન્ટરી 'વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી' થી લોકોમાં તેમની વાત જાણવાનો રસ નવેસરથી જાગ્યો. 'સર્ચીગ ફોર શીલા' નું ટ્રેલર દર્શાવે છે કે ૩૪ વર્ષ પછી જયારે તે ભારત આવે છે ત્યારે લોકો તેમને ઓળખતા પણ નથી.

આ સીરીઝ જો કે પબ્લીક ઇન્ટરવ્યુ દ્વારા બની છે પણ તેમાં આનંદશીલાની ભારત યાત્રા પર પ્રકાશ ફેંકે છે જેમાં દર્શકો નક્કી નહીં કરી શકે કે તેમને ગુનાહીત ગણવા કે તેમને ઓશોના મુખ્ય સલાહકાર તરીકે માન આપવું. આ ડોકયુસીરીઝ પ્રશ્નો ઉભા કરશે કે મા આનંદશીલા હવે ૭૦ વર્ષની ઉંમરે હવે કેમ બહાર આવ્યા છે? શું તેમને કંઇ વળતર જોઇએ છે? જો તેનો જવાબ હા હોય તો હવે જયારે દુનિયાભરમાં તેમના વિશે લાંબા સમયથી કેટલીક ધારણાઓ બંધાયેલી છે ત્યારે તેમને તે મળશે? નેટફલીક્ષ 'સર્ચીગ ફોર શીલા'  દ્વારા આ બધાના જવાબો આપવાનો પ્રયાસ  કરશે.

(3:45 pm IST)