મુખ્ય સમાચાર
News of Tuesday, 13th April 2021

સુપ્રિમ કોર્ટનો મહત્વનો ચુકાદો

ડ્રાઇવર 'પીધેલો' હોય તો વીમા કંપનીને દાવો નકારવાનો હક્ક

નવી દિલ્હી તા. ૧૩ : સુપ્રીમ કોર્ટે સોમવારે એક કેસમાં કહ્યું છે કે જો ડ્રાઇવરે દારૂ પીધેલ હોય તો અકસ્માત થવાની સ્થિતિમાં વીમા કંપનીને કલેઇમ નકારવાનો હક્ક છે. લગભગ ૧૪ વર્ષ પહેલા ઇન્ડીયા ગેટ પાસે દુર્ઘટનાગ્રસ્ત થયેલ લકઝરી પોર્શે કારના કલેઇમ કેસમાં આ મહત્વપૂર્ણ ટીપ્પણી કરી છે.

જસ્ટીસ યુ.યુ.લલિત, જસ્ટીસ ઇન્દિરા બેનર્જી અને જસ્ટીસ કે એમ જોસેફની બેંચે આ કેસમાં રાષ્ટ્રીય ગ્રાહક તકરાર નિવારણ પંચના ચુકાદાને બાજુએ રાખતા કહ્યું કે જો ગાડી ચલાવનાર વ્યકિત નશામાં હોય અથવા ડ્રગ્સ લીધેલ હોય તો વીમા કંપની ઇફકો ટોકીયો જનરલ ઇન્સ્યોરન્સ કંપની લીમીટેડને વીમા કરારની કલમ (રસી) હેઠળ જવાબદાર ન ઠેરવી શકાય.

પંચે પોતાના ચુકાદામાં વીમા કંપ્નીના કલેઇમ ચુકવવાની ના પાડવાને ખોટી ગણાવી હતી. પંચના ચુકાદા સામે વીમા કંપની સુપ્રીમ કોર્ટમાં ગઇ હતી. ૧૮૧ પાનાનો ચુકાદો લખનાર જસ્ટીસ જોસેફે બ્રિટન, સ્કોટલેન્ડ અને અમેરિકન કાયદાઓ, મેડીકલ સાબિતીઓનો પણ હવાલો આપ્યો હતો.

આ કાર પર્લ બેવરેજીસ કંપનીની હતી. જેને ૨૨ ડીસેમ્બર ૨૦૦૭ના શિયાળામાં બનાવ બન્યો ત્યારે અમન બંગિયા ચલાવી રહ્યો હતો. આક્ષેપ છે કે અમને ત્યારે દારૂ પીધેલો હતો અને બેદરકારીપૂર્વક કાર ચલાવતા તેણે ઇન્ડીયા ગેટમાં ચીલ્ડ્રન પાર્ક પાસે એક ફુટપાથ સાથે અથડાવી હતી, જેનાથી કાર પલ્ટી ખાઇ ગઇ હતી અને તેમાં આગ લાગી હતી. કાર સંપૂર્ણ પણે બરબાદ થઇ ગઇ હતી.

(10:28 am IST)