મુખ્ય સમાચાર
News of Tuesday, 13th April 2021

હવે બે કલાકથી ઓછા સમયની ડોમેસ્ટિક ફલાઈટમાં નહીં મળે ભોજન

દેશમાં વધી રહેલા કોરોનાના સંક્રમણને જોતા સરકારે એરલાઈન્સને આદેશ આપ્યો

નવી દિલ્હી,તા.૧૩: દેશમાં કોરોના વાયરસના વધી રહેલા ચેપને અટકાવવા માટે સરકાર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. હવે સરકારે ગઇ કાલે એરલાઈન્સને આદેશ આપ્યા છે કે બે કલાકથી ઓછા સમયની ડોમેસ્ટિક ફ્લાઈટમાં નાસ્તો કે જમવાનું ન આપે અને વેચે પણ નહીં. જોકે, હાલ પૂરતો આવો કોઈ આદેશ જાહેર કરવામાં આવ્યો નથી.

ફ્લાઈટમાં ખાવા માટે પેસેન્જરો માસ્ક ઉતારે અને તેના કારણે કોરોના વાયરસ ફેલાવાનું જોખમ રહે તેને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, ફ્લાઈટમાં લાંબા સમય સુધી ભોજન કે નાસ્તો કરતા રોકી શકાય નહીં તેના કારણે ફકત બે કલાક સુધીની ડોમેસ્ટિક ફ્લાઈટ્સ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

એવિયેશન મંત્રાલયના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે, અમે ગત વર્ષે પણ આ ફ્લાઈટની અંદર ભોજન કે નાસ્તા અંગે નિર્ણય લીધો હતો જેના કારણે સારા પરિણામ મળ્યા હતા. નોંધનીય છે કે કોરોનાના ઝડપથી વધી રહેલા ચેપને જોતા એર ઈન્ડિયા યુએસ, યુકે, કેનેડા અને ઓસ્ટ્રેલિયાની નોન-સ્ટોપ ફ્લાઈટ માટે ક્રુ મેમ્બર્સનું ટેસ્ટિંગ કરે છે. આ ઉપરાંત યુએઈ, યુકે અને યુરોપથી આવતી ફ્લાઈટ્સના ક્રુ માટે પણ પોસ્ટ-ફ્લાઈટ ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે.

ગત વર્ષે મે મહિનાથી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ શરૂ કરવામાં આવી છે ત્યારથી એર ઈન્ડિયા તેના પાયલોટને હોટલમાં જ જમવાની સુવિધા ઉપલબ્ધ કરાવે છે જેથી કરીને તેમને પોતાની હોટલ કે રૂમ છોડવી પડે નહીં.

(10:25 am IST)