મુખ્ય સમાચાર
News of Monday, 12th April 2021

મ્યાંમારના લશ્કરની ક્રૂરતાનો ચોંકાવનારો ખુલાસો : મૃતદેહો પરિવારજનોને સોંપવા 85 ડોલરની વસૂલાત

મૃતદેહના બદલામાં મ્યાંમારનું સૈન્ય તેમના સ્વજનો પાસેથી છથી સાડા છ હજાર રૂપિયા લ્યે છે

નવી દિલ્હી : મ્યાંમારમાં સૈન્યની ક્રૂરતાએ તમામ હદ વટાવી છે. સામાજિક સંગઠન એએપીપીના કહેવા પ્રમાણે મ્યાંમારમાં લશ્કરી બળવો થયો તે પછી ઓછામાં ઓછા 700 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. ગયા સપ્તાહે 82 લોકોના મોત થયા હતા. મ્યાંમારના લશ્કરની ક્રૂરતાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

 એડવોકસી ગ્રુપ એએપીપીના અંદાજ પ્રમાણે લશ્કરી બળવા પછી શાંતિપૂર્ણ પ્રદર્શનો કરતાં 3000 લોકોને ગુમ કરી દેવાયા છે. 700 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. હવે સૈન્યની ક્રૂરતાનો નવો દાવો થયો છે. સૈન્યએ ગોળી છોડીને જે પ્રદર્શનકારીઓની હત્યા કરી છે તેના મૃતદેહો પરિવારજનોને સોંપવાના બદલામાં 85 ડોલર જેટલી રકમ વસૂલાતી હોવાનો ધડાકો થયો હતો. એટલે કે મૃતદેહના બદલામાં મ્યાંમારનું સૈન્ય તેમના સ્વજનો પાસેથી છથી સાડા છ હજાર રૂપિયા મેળવે છે.

મ્યાંમારની આ ક્રૂરતાને ચીનનું સમર્થન હોવાનો દાવો યુરોપિયન સંઘના પ્રતિનિધિઓએ કર્યો હતો. યુરોપિયન યુનિયનના રાજદ્વારી પ્રતિનિધિઓએ કહ્યું હતું કે મ્યાંમારનું સૈન્ય જે પ્રકારની બર્બરતા આચરી રહ્યું છે, તેમાં ચીનનું સમર્થન મળી રહ્યું છે. મ્યાંમારના લશ્કરને ચીન અંદરખાને સમર્થન આપી રહ્યું છે. ચીનને મ્યાંમારની રાજકીય અસ્થિરતા યથાવત રાખવામાં રસ છે.

મ્યાંમારના સૈન્ય સામે વૈશ્વિક સ્તરે કડક પગલાં ન ભરાય તે માટે ચીન-રશિયા પ્રયાસો કરે છે એવું પણ યુરોપિયન સંઘના પ્રતિનિધિઓએ કહ્યું હતું. વૈશ્વિક સત્તાઓને મ્યાંમાર સામે કડક પગલાં લેતા અટકાવવાના ચીન-રશિયાના આ વલણની યુરોપિયન સંઘે ઝાટકણી કાઢી હતી.

મ્યાંમારનું સૈન્ય પ્રદર્શનકારીઓના દેખાવોનો ડામી દેવા માટે ચીનના ડ્રોનનો વ્યાપકપણે ઉપયોગ કરે છે એવા પણ મીડિયા અહેવાલો પ્રસિદ્ધ થયા હતા. બ્રિટિશ મિલિટરી ઈન્ટેલિજન્સ પબ્લિકેશન જેમ્સ ઈન્ટરનેશનલ ડિફેન્સ રિવ્યૂમાં અહેવાલ રજૂ થયો કે મ્યાંમારના સૈન્ય પાસે અચાનક ચીનના ડ્રોન આવી ગયા છે તે શંકા ઉપજાવે છે. આ ડ્રોન્સનો ઉપયોગ મ્યાંમારના લશ્કરી અધિકારીઓ લોકોની હિલચાલ પર નજર રાખવા માટે કરી રહ્યાં છે.

(1:11 am IST)