મુખ્ય સમાચાર
News of Saturday, 13th April 2019

લેણું વસુલવા માટે પેન્શન ઉપર ટાંચ મુકી શકાતી નથી તેવી પેન્શન એકટ જોગવાઇ સાથે મંગાયેલી દાદને ફગાવી દેતી બોમ્બે હાઇકોર્ટઃ પત્નીને નિભાવ માટે આપવાની થતી રકમ લેણું ન ગણાયઃ માસિક ૭૨ હજાર રૂપિયા પેન્શન મેળવતા મહારાષ્ટ્રના નાગરિકે દર મહિને ૨૦ હજાર રૂપિયા ચડત રકમ સાથે પત્નીને ચૂકવી દેવાનો નામદાર કોર્ટનો હુકમ

મુંબઇઃ બાકી લેણું વસુલ કરવા માટે લેણદારો પેન્શન ઉપર જપ્તી લાવી શકતા નથી તેવી પેન્શન એકટની જોગવાઇને ધ્યાને લઇ નાગપુરના પેન્શનરએ બોમ્બે હાઇકોર્ટ સમક્ષ મેજીસ્ટ્રેટ કોર્ટના વચગાળાના હુકમ વિરૂધ્ધ કરેલી અરજી જસ્ટીસશ્રી એમ.જી.ગિરાટકરએ નામંજુર કરી છે.

માનનીય જજશ્રીએ આપેલા ચૂકાદામાં જણાવ્યા મુજબ પત્નીને ભરણ પોષણ માટે આપવાની થતી રકમને લેણદારોના લેણાં  તરીકે ગણાવી શકાય નહીં તેવો મેજીસ્ટ્રેટ કોર્ટનો ચૂકાદા વ્યાજબી છે.

અલબત આ ચૂકાદામાં અરજદારના પેન્શનમાંથી દરમહિને ૩૦ હજાર રૂપિયા ભરણ પોષણ પેટે પત્નીને ચૂકવવામાં આવે તેવી જોગવાઇમાં રકમ ઘટાડી ૨૦ હજાર રૂપિયા કરી આપી છે.

ઉલ્લેખનીય છે કે ૫૯ વર્ષીય પેન્શનર ભાગવંત પાંડુરંગ નારનાવરે નિવૃત થયા ત્યારે તેમનો પગાર ૧ લાખ ૫૩ હજાર હજાર હતો. જેઓને માસિક ૭૨ હજાર પેન્શન મળે છે. તેમણે ૪૭ વર્ષીય પત્ની રાધિકા ભાગવંત નારનાવરેના નિભાવ માટે માસિક ૩૦ હજાર રૂપિયા તથા ચડત રકમ ભરપાઇ કરવાના નામદાર મેજીસ્ટ્રેટ કોર્ટના વચગાળાના હુકમ વિરૂધ્ધ બોમ્બે હાઇકોર્ટમાં દાદ માંગી હતી. મેજીસ્ટ્રેટ કોર્ટમાં તેમના વિરૂધ્ધ ઘરેલું હિંસા મામલે કેસ કરાયેલો છે. તેવું B એન્ડ B દ્વારા જાણવા મળે છે.   

(8:49 pm IST)