મુખ્ય સમાચાર
News of Wednesday, 13th March 2019

ચોકીદારનું કામ કરતા લોકોનું અપમાન છે

ચોકીદાર ચોર હૈ નો નારો અપમાનજનક

રાહુલ ગાંધી સામે ફરિયાદ નોંધોઃ મહારાષ્ટ્ર રાજ્ય સુરક્ષા રક્ષક યુનિયને કરી પોલીસમાં રજૂઆત

મુંબઇ તા.૧૩: શહેરના બાંદરા-કુર્લા કોમ્પ્લેકસમાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીની જાહેર સભામાં 'ચોકીદાર ચોર હૈ'ના નારા લગાડવાની ફરિયાદ પોલીસ સ્ટેશને પહોંચી છે. મહારાષ્ટ્ર રાજ્ય સુરક્ષા રક્ષક યુનિયને પોલીસને ફરિયાદ કરી છે કે કોંગ્રેસ અધ્યક્ષે આવું કહીને તમામ ચોકીદારનું અપમાન કર્યું છે, એથી તેમના પર કેસ દાખલ કરવામાં આવે.

રેલીઓ અને રોડ શો દરમ્યાન રાહુલ ગાંધી રાફેલ મામલાનો ઉલ્લેખ કરીને લોકોને કહી રહ્યા છે કે મોદી ભ્રષ્ટાચારમાં લિપ્ત છે અને તેમ કહીને લોકો સામે 'ચોકીદાર ચોર હૈ'ના નારા લગાડવામાં આવી રહ્યા છે. અસોસિએશનનું કહેવું છે કે એમ.એમ. આર.ડી.એ. ગ્રાઉન્ડમાં યોજાયેલી રેલી દરમ્યાન રાહુલે અનેક વાર કહ્યું હતું કે 'ચોકીદાર ચોર હેૈ' અને લોકો પાસે પણ નારા બોલાવડાવ્યા હતા. આ તમામ ચોકીદારોના અપમાન સમાન છે. અને જો પોલીસ આ વિશે કાર્યવાહી કરે તો ભવિષ્યમાં ચોકીદારો સામેનો અપમાનજનક નારો તે બોલશે નહીં.

બીકેસી પોલીસ સ્ટેશનના સિનિયર અધિકારીએ આ વિશે કહ્યું હતું કે 'અમે આ ફરિયાદ લઇ શકીએ નહી, કારણ કે કોઇ વિશેષને તેઓએ કોઇ ગાળો કે અપશબ્દો જાહેરમાં કહ્યા નથી.'

(10:11 am IST)