મુખ્ય સમાચાર
News of Tuesday, 13th March 2018

ઉત્તર કોરિયા પરમાણુ અને મિશાઇલ પરીક્ષણ બંધ કરે તેના બદલામાં અમેરિકા દક્ષિણ કોરિયા અને જાપાને પણ સંયુક્ત સૈન્ય અભ્યાસો બંધ કરવા જોઇઅે: ચીન

બેઇજીંગઃ ચીને અમેરિકા અને નોર્થ કોરિયા વચ્ચે યોજાનારી બેઠક સફળ રહે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે. ચીને આશા વ્યક્ત કરી છે કે ઉત્તર કોરિયા, અમેરિકા અને દક્ષિણ કોરિયા વચ્ચે થનારી વાતચીત કોઈ પણ પ્રકારના વિધ્નો વગર પાર પડશે અને પ્યોંગયોંગ પરમાણું નિ:શસ્ત્રીકરણની દિશામાં આગળ વધશે. જોકે ચીને અમેરિકા, દક્ષિણ કોરિયા અને જાપાનને સલાહ પણ આપી દીધી હતી.

ચીનના સરકારી ન્યૂઝ એજન્સી શિન્હુઆના જણાવ્યા પ્રમાણે, શીએ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર ચુંગ ઈયૂ-યંગ સાથેની બેઠકમાં આ ટિપ્પણી કરી હતી. ચુંગ ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ સાથે ગત સપ્તાહે થયેલી વાતચીતને લઈને શીને જાણકારી આપવા ચીન આવ્યાં છે.

ઉત્તર કોરિયાના નેતા કિમજોંગ ઉન એપ્રિલના અંતમાં દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઈન સાથે શાંત સ્થળે મળવા રાજી થયાં છે, જ્યારે ટ્રમ્પ સાથે ઉનની મુલાકાત મે મહિનાના અંત સુધીમાં યોજાય તેવી શક્યતા છે. આ બાબતે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગએ કહ્યું હતું કે, અમે આશા કરીએ છીએ કે ડીપીઆરકે-આરઓકે સમ્મેલન અને ડીપીઆરકે-યૂએસ વચ્ચેની વાતચીત કોઈ પણ પ્રકારની અડચણ વગર પાર પડશે. ઉલ્લેખનીય છે કે ઉત્તર કોરિયાનું આખું નામ કોરિયા જનવાદી લોકતાંત્રિક ગણરાજ્ય (ડીપીઆરકે) અને દક્ષિણ કોરિયાનું આખું નામ કોરિયા ગણરાજ્ય (આરઓકે) છે.

જિનપિંગે એવી પણ આશા વ્યક્ત કરી હતી કે, આ વાતચીતથી કોરિયાઈ દ્વિપના નિ:શસ્ત્રીકરણ અને તેમાં શામેલ દેશોના સંબંધોને સામાન્ય બનાવવાની દિશામાં નક્કર પ્રગતિ સધાશે. સાથો સાથ ચીન આ બાબતે અમેરિકાને સલાહ આપવાનું પણ ચુક્યું ન હતું. જિનપિંગે કહ્યું હતું કે, ઉત્તર કોરિયા પરમાણું અને મિસાઈલ પરિક્ષણ બંધ કરે તેના બદલામાં અમેરિકા, દક્ષિણ કોરિયા અને જાપાને અહીં પોતાના સંયુક્ત સૈન્યાભ્યાસો કરવાના પણ બંધ કરવા જોઈએ.

(7:52 pm IST)