મુખ્ય સમાચાર
News of Tuesday, 13th March 2018

લોકસભામાં એકલા અટુલા બેઠેલા અડવાણી પાસે દોડી જઇ રાહુલે તેમનું સન્માન વધાર્યુઃ અમિત શાહને અવગણ્યા

અડવાણીએ કહયું.....'આઇ એમ ફાઇન બટ હાઉસ ઇઝ નોટ'

નવી દિલ્હી, તા., ૧૩: સોમવારે લોકસભા શરૂ થાય તે પહેલા ૧૦ મીનીટ વહેલા પહોંચેલા રાહુલ ગાંધીએ એકલા અટુલા બેઠેલા ભાજપના સિનીયર લીડર લાલકૃષ્ણ અડવાણી પાસે હાથ જોડતા દોડી જઇ તેમના હાલચાલ પુછી સન્માન વધાર્યુ હતું. ટ્રેઝરી બેંચની પ્રથમ હરોળમાં અડવાણીને એકલા બેઠેલા જોઇ રાહુલ સીધા જ તેમની પાસે પહોંચ્યા હતા અને તેમના ખબરઅંતર પુછતા પ્રત્યુત્તરમાં  અડવાણીજીએ 'આઇ એમ ફાઇન બટ હાઉસ ઇઝ નોટ' તેમ જણાવ્યું હતું.

પુર્વ નાયબ વડાપ્રધાને આ મુદ્દે વધુમાં એવું કહયું હતું કે, તેઓ પહેલી વાર આ સ્થિતિ જોઇ રહયા છે કે વિપક્ષ સ્પીકર કે વડાપ્રધાન હાઉસ સારી રીતે ચાલી શકે તે માટે શકિતમાન નથી. થોડી મીનીટો અડવાણીજી સાથે વાત કર્યા બાદ રાહુલ પોતાની બેઠક પર પરત ફર્યા હતા.

એક કલાક પછી રાહુલ જયારે હાઉસ છોડી જઇ રહયા હતા ત્યારે ભાજપના પ્રમુખ  અમિત શાહ સદનમાં પ્રવેશ્યા હતા. પરંતુ રાહુલે તેમના પર ધ્યાન આપ્યું ન હતું. વડાપ્રધાન મોદી, અમિત શાહ અને રાહુલ વચ્ચે આવુ અનેકવાર બનતું રહયું છે. તો બીજી તરફ રાહુલે સિનીયર નેતાને સન્માન આપવાનું વલણ પણ અનેકવાર દોહરાવ્યું છે.

(3:46 pm IST)