મુખ્ય સમાચાર
News of Tuesday, 13th March 2018

પેસેન્જર વ્હિકલનું વેચાણ ફેબ્રુઆરીમાં ૮ ટકા વધી ગયું

નોટબંધી - જીએસટીનો હાઉ દૂર

નવી દિલ્હી તા. ૧૩ : નોટબંધી અને જીએસટીની અસર ધીમે ધીમે દૂર થઈ રહી હોવાથી ચાલુ નાણાકીય વર્ષના અંત સુધી ઓટોમોબાઇલ્સની માંગ મજબૂત રહેવાની શકયતા છે. ઉદ્યોગની સંસ્થા સિઆમના અંદાજ પ્રમાણે ચાલુ વર્ષના અંતે ટુ વ્હીલર અને કોમર્શિયલ વ્હીલરના ઉત્પાદકો ધારણા કરતાં વધુ સારો દેખાવ કરશે. ચાલુ રાજકોષીય વર્ષના એપ્રિલથી ફેબ્રુઆરીના ગાળામાં પેસેન્જર વ્હિકલ્સમાં ૮.૦૪ ટકા, કોમર્શિયલ વ્હિકલ્સમાં ૧૯.૩ ટકા, થ્રી વ્હીલર્સમાં ૧૯.૧૧ ટકા અને ટુ વ્હીલર્સમાં ૧૪.૪૭ ટકા વેચાણવૃદ્ઘિ થઈ છે. યુટિલિટી વ્હિકલમાં જોવાયેલા નોંધપાત્ર વધારાને કારણે ફેબ્રુઆરીમાં દેશમાં પેસેન્જર વ્હીકલનું વેચાણ ૭.૭૭ ટકા વધ્યું હતું. સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેકચરર્સ (સિઆમ)ના આંકડા અનુસાર ગયા વર્ષના ૨,૫૫,૪૭૦ યુનિટ્સની તુલનાએ ફેબ્રુઆરી ૨૦૧૮માં સ્થાનિક પેસેન્જર વ્હિકલનું વેચાણ વધીને ૨,૭૫,૩૨૯ યુનિટ્સ નોંધાયું હતું.

વાહનોની તમામ શ્રેણીઓમાં વેચાણ ફેબ્રુઆરી ૨૦૧૭ના ૧૭,૧૯,૮૦૬ યુનિટ્સની તુલનાએ ૨૨.૭૭ ટકા વધી ૨૧,૧૧,૩૮૩ યુનિટ્સ નોંધાયું હતું. સ્થાનિક સ્તરે કારનું વેચાણ ગયા વર્ષના ૧,૭૨,૭૩૭ યુનિટ્સની તુલનાએ સમીક્ષાના સમયગાળામાં ૩.૭ ટકા વધી ૧,૭૯,૧૨૨ યુનિટ્સ નોંધાયું હતું.

(1:01 pm IST)