મુખ્ય સમાચાર
News of Tuesday, 13th March 2018

નરેન્દ્રભાઇના મિત્ર શિન્ઝો આબે પણ મુશ્કેલીમાં: કૌભાંડમાં પત્નિની સંડોવણી

જોકે જાપાનના વડાપ્રધાને માફી માગીઃ કૌભાંડ બહાર આવવા છતાં આબેની જીત

ટોકિયો તા. ૧૩ : જાપાનના પીએમ શિન્ઝો આબેની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે તેમ છે. એક કૌભાંડ સાથે શિન્ઝોની પત્ની અકિ આબેના છેડા અડતા હોવાથી તેની રાજકીય કારકિર્દિ પર ખતરો મંડરાયો છે. સોમવારે જાપાનના નાણામંત્રી સ્વીકાર્યું હતું કે વિસ્તરણ કૌભાંડમાં અકી આબેની પણ સંડોવણી હતી જેનાથી સરકારને પણ નુકસાન થયું.

સોમવારે શિન્ઝો આબેએ મંત્રાલયના અધિકારીઓ વતી માફી માગી હતી પણ આ કૌભાંડમાં તેની પત્નીનો હાથ છે કે નહીં તે અંગે કંઇ સ્પષ્ટતા કરી નહતી. કહ્યું કે, 'વિકાસ તરફ લોકો આતુરતાથી જોઇ રહ્યા છે, અને હું તેને ગંભીરતાથી લઇ રહ્યો છું.' ઉપરાંત આ કૌભાંડ મામલે તપાસ કરાવવાનો વાયદો કર્યો.

બદલાયેલા ડોકયોમેન્ટ ૨૦૧૬ના રાજયની એ જમીનના વેચાણ સાથે સંબંધ ધરાવે છે જેને ઓસાકામાં એક સ્કૂલ ઓપરેટરને મફતના ભાવમાં આપી દેવામાં આવી હતી, આ કૌભાંડમાં જાપાનના પીએમ શિન્ઝો આબેની પત્ની અકી આબેની પણ સંડોવણી હતી જેમણે એક સમયે સ્કૂલના અલ્ટ્રા-નેશનાલિસ્ટિક એજયુકેશન પોલિસીને સમર્થન આપ્યું હતું. એક વર્ષ અગાઉ કૌભાંડ છતું થતાં જમીન સોદાના દસ્તાવેજો બદલી દેવાયા હતા.

મિનિસ્ટ્રી દ્વારા કરવામાં આવેલી તપાસમાં જણાવવામાં આવ્યું કે સ્કૂલ પ્લાન બાબતે અકી આબે અને કેટલાક ધારાસભ્યો વચ્ચે સંપર્ક થયો હતો પણ તેમણે કાયદાનું ઉલ્લંઘ કર્યું કે નહીં તે હજુ સ્પષ્ટ થયું નથી. એક ડોકયુમેન્ટની નોંધ કરવામાં આવી હતી જેમાં સ્કૂલ ઓપરેટર્સ એબેના પોલિટિકલ લોબી નિપોન કૈગી પણ જમીન સોદામાં સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું હતું, જો કે બાદમાં આ કોમેન્ટ ડિલિટ થઇ ગઇ હતી.

એક વર્ષ પહેલાં આ સ્કેન્ડલ સામે આવ્યું હતું, વિરોધપક્ષ દ્વારા બારીકાઇથી તપાસ કરવામાં આવી રહી હતી તેમ છતાં જુલાઇમાં યોજાયેલ ચૂંટણીમાં એબેએ ભવ્ય જીત મેળવી હતી. અહીંના મોટા ન્યૂજપેપરે કૌભાંડ છતું થયા બાદ મિનિસ્ટ્રી દ્વારા ડોકયુમેન્ટ્સ બદલી નખાયા હોવાની સાબિતી મળી હોવાનું છાપ્યા પછીં આ મામલો વધુ ગરમાયો.

(12:59 pm IST)