આલે લે !! નાણામંત્રી જેટલી ૧ાા કરોડ રૂપિયા ગરીબ બન્યા
૨૦૧૪માં તેમની પાસે ૧૧૩ કરોડ હતા, હવે ૧૧૧ાા કરોડ છે!!
નવી દિલ્હી : કેન્દ્રીય નાણા મંત્રી અરૂણ જેટલીની સંપત્તિ ગત ૪ વર્ષમાં ઘટી છે. જેટલીની સંપતિમાં અંદાજીત ૧.૬૧ કરોડ જેટલો ઘટાડો થયો છે. રાજયસભા નામાંકન દરમ્યાન ફાઈલ કરવામાં આવેલી એફીડેવીટ અનુસાર નાણા મંત્રી અને તેમની પત્ની સંગીતા જેટલીની કુલ ચલ- અચલ સંપતિ અંદાજીત ૧૧૧.૪૦ કરોડ રૂપિયા છે. ૨૦૧૪માં તેમની કુલ સંપતિ અંદાજીત ૧૧૩ કરોડ રૂપિયા હતી. શપથ પત્ર મુજબ અરૂણ જેટલી પાસે ૩૨.૭૦ કરોડની ચલ સંપતિ છે અને ૩૫.૬૦ કરોડ અચલ, સંગીતા જેટલી પાસે ૧.૪૧ કરોડ ચલ અને ૪૧.૭૦ કરોડ અચલ સંપતિ છે.
નાણા મંત્રી પાસે ચાર બેન્ક ખાતા છે જેમાં એક સ્ટેટબેન્ક અને ત્રણ એચડીએફસી બેન્કમાં ૧.૩૦ કરોડ રૂપિયા જમા છે. અરૂણ જેટલી પર અંદાજીત ૪૨.૨૨ લાખનું દેવું છે અને તેમની પત્ની પર ૯.૧૩ કરોડનું દેવું છે. જેમાં અંદાજીત ૮.૬૭ કરોડની લોન છે. નાણામંત્રી પાસે બે મર્સિડીઝ અને એક ફોર્ચ્યુનર કાર છે.