મુખ્ય સમાચાર
News of Tuesday, 13th March 2018

ખેડૂત આંદોલન એ ભાજપ સરકારનું મેચ ફિકસીંગ

ર૦૦૧ થી લોન માફીઃ ફડણવીસે ફટાફટ તમામ માંગો સ્વિકારી લીધી!! જૂનું રેશનીંગ કાર્ડ બદલી અપાશેઃ પાછા જવા બે ખાસ ટ્રેનોઃ કોંગ્રેસનો ધારદાર આરોપઃ મુખ્યમંત્રી સાથેની ખેડૂતોની બેઠકમાં વિપક્ષોને બહાર રખાયાઃ પ્રધાનોને પણ હાજર રહેવા ન દેવાયા

મુંબઇ તા. ૧૩ :.. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને ખેડૂતો વચ્ચે ગઇકાલે ખેડૂતોની માગણીને લઇને થયેલી મીટીંગ બીજું કંઇ નહીં પણ એક પ્રકારનું મેચ-ફિકિસંગ હતું એવો આક્ષેપ કોંગ્રેસના સીનીયર લીડરે કર્યો હતો.

 

લંચ બાદ બંધ દરવાજે એન્ટિચેમ્બરમાં લગભગ બે કલાક સુધી મુખ્ય પ્રધાન અને ખેડૂતોના પ્રતિનિધિઓ વચ્ચે ચાલી રહેલી મીટીંગ દરમ્યાન વિરોધી પક્ષના નેતાઓને બહાર રાખવામાં આવ્યા હતાં એવો દાવો મીટીંગનો એક ભાગ બનેલા કોંગ્રેસના નેતાએ કર્યો છે.

કોંગ્રેસના નેતાએ પોતાનું નામ ન આપતાં કહયું હતું કે ફકત વિરોધ પક્ષના નેતા રાધાકૃષ્ણ-વિખે-પાટીલ અને અન્ય વિપક્ષી નેતાઓ જ નહીં, મિનિસ્ટરો પણ બહાર રાહ જોઇ રહ્યા હતાં. આનાથી પૂરી મીટીંગ એક પ્રકારનું મેચ-ફિકિસંગ હોવાની શંકા થઇ રહી છે.

દરમિયાન ખેડૂતોની લોન્ગ માર્ચમાં નાસિકથી મુંબઇ સુધી ચાલીને આવેલા ખેડૂતોને નાસિક જવા માટે સેન્ટ્રલ રેલ્વેએ બે સ્પેશ્યલ ટ્રેનની સુવિધા કરી આપી હતી. તેમજ અન્ય ટ્રેનોમાં વધારાના અનરિઝર્વ્ડ કોચ ઉમેરવામાં આવ્યા છે. આ ઉપરાંત વધારાની ૧પ બસ નાસિક માટે દોડાવવાનો નિર્ણય લીધો છે.

પહેલી સ્પેશ્યલ ટ્રેન ગઇકાલે રાત્રે ૮.પ૦ વાગ્યે ભુસાવળની હતી, જેમાં ૧૩ અનરિઝર્વ્ડ કોચ હતાં. જયારે બીજી સ્પેશ્યલ ટ્રેન રાત્રે ૧૦ વાગ્યે ભુસાવળ સુધીની હતી. એમાં ૧૮ અનરિઝર્વ્ડ કોચ હતાં. એ સિવાય સાંજે ૬.૧પ વાગ્યે ઉપડેલી પંચવટી  એકસપ્રેસમાં એક વધારાનો જનરલ કોચ ઉમેરવામાં આવ્યો હતો. એ પછી રાત્રે ૯.૩૦ વાગ્યે ઉપડેલી હાવડા મેલ વાયા અલાહાબાદમાં તેમ જ રાત્રે ૯.૪પ વાગ્યે ઉપડેલી દાદર-શિર્ડી ટ્રેનમાં એક-એક વધારાનો અનરિઝર્વ્ડ કોચ ઉમેરવામાં આવ્યો હતો. માન્ય કરવામાં આવેલી માંગણીઓમાં જુનુ રેશનિંગ કાર્ડ છ મહિનામાં બદલી આપવામાં આવશે., વન જમીન બાબતે આવતા છ મહિનામાં નિર્ણય લેવામાં આવશે., વન હક કાયદાના દાવા છ મહિનામાં પૂરા થશે,  અપાત્ર પ્રકારણ ફરી તપાસવામાં આવશે., ર૦૦૬ પહેલાં જેટલી જગ્યા હતી એ પાછી આપવામાં આવશે., ગોચરની જમીન પરનું અતિક્રમણ નિયમિત કરી અપાશે., સંજય ગાંધી નિરાધાર યોજના અંતર્ગત મળતું મહેનતાણું વધારવામાં આવશે., દૂધના ભાવ નકકી કરવા માટે સ્વતંત્ર બેઠક યોજાશે.

ર૦૦૧ થી લોન માફી મળશે એટલે લોન માફીની દિશા તરફ એક નવું પગલું ભર્યુ છે એવું કહેતાં કિસાન સભાના અજિત નવલેએ કહયું હતું કે ખેડૂતોને પુરી લોન માફી મળે એ માટે અમારી આ લડાઇ ચાલુ હોવાથી ગયા વર્ષે ખેડૂતોએ જે બંધ પાળ્યો હતો. ત્યારે તેમની કેટલીક માગણીઓ સ્વીકારવામાં આવી હતી અને હવે મોરચાને કારણે બાકીની માગણીઓ સંતોષાઇ છે. લોન માફી બાબતે અમુક શરતોમાં ઢીલ મુકવામાં આવી છે. આ આંદોલન અહીં જ પુરુ નથી થયું, જયાં સુધી ખેડૂતોના ૭/૧ર નો દસ્તાવેજ કોરો ન થાય ત્યાં સુધી આ આંદોલન કાયમ રહેશે.

વિધાન પરિષદમાં વિપક્ષના નેતા ધનંજય મુંડે, એનસીપીના મહારાષ્ટ્રના અધ્યક્ષ સુનિલ પટાકરે, અજિત પવાર, વિધાનસભામાં વિપક્ષી નેતા રાધાકૃષ્ણ વિખે-પાટીલ વગેરે  જણનું પ્રતિનિધિ મંડળ મુખ્ય પ્રધાન સાથે ચર્ચા કરવા માટે ગયું હતું. સરકાર વતી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સહિત તેમની સમિતિના છ પ્રધાન અને સચિવ દરજજાના અધિકારીઓ હાજર હતાં.

રાજય સરકાર વતી મહેસુલ પ્રધાન ચંદ્રકાંત પાટીલે આઝાદ મેદાનમાં ખેડૂત આંદોલનના પ્લેટફોર્મ પર પહોંચીને ખેડૂતોની દરેક માગણી સરકારે માન્ય કરી હોવાની જાહેરાત કરી હતી. દસમાં ધોરણના વિદ્યાર્થીઓની પરીક્ષાને ધ્યાનમાં રાખીને ખેડૂતો રાતભર ચાલીને સવારે આઝાદ મેદાન પહોંચ્યા એ બદલ ચંદ્રકાંત પાટીલે ખેડૂતોનો આભાર વ્યકત કર્યો હતો.

કિસાન સભા મોરચાના નેતાઓ અને મુખ્ય પ્રધાન તેમ જ મંત્રી મંડળ વચ્ચે ગઇકાલે બપોરે એક વાગ્યાની આસપાસ વિધાનભવનમાં બેઠક થઇ હતી. આશરે સાડા ત્રણ કલાક ચાલેલી બેઠકમાં ખેડૂતોની લગભગ બધી માગણીઓ માન્ય કરવામાં આવી હતી.

એ પછી ખેડૂતોના પ્રતિનિધી મંડળના આગ્રહને ધ્યાનમાં રાખીને રાજયના મુખ્ય સચિવની સહી સાથે લેખિત ખાતરી આપવામાં આવી હતી. આ પહેલાં સરકારે કોઇને પણ આ રીતે ખાતરી આપી નથી. એમ પણ ચંદ્રકાંત પાટીલે ખેડૂતોની સભામાં કહ્યું હતું. ખેડૂતોની માગણીઓ બાબતે જે નિર્ણય થયો એ વિશે મુખ્ય પ્રધાન આજે વિધાનસભાગૃહમાં નિવેદન કરશે.

ખેડૂતોના આંદોલનનું નેતૃત્વ કરનારા વિધાનસભ્ય જે. પી. ગાવિત, અજિત નવલે, અશોક ઢવળે, નરસૈયા આડમની સાથે ફડણવીસે ચર્ચા કરી હતી. (પ-પ)

(10:56 am IST)