મુખ્ય સમાચાર
News of Tuesday, 13th March 2018

સીલીંગનો પ્રચંડ વિરોધઃ દિલ્હીમાં ૭ લાખ દુકાનો બંધ

તમામ મુખ્ય બજારો સૂમસામઃ રપ૦૦ વેપારી સંગઠનો જોડાયાઃ સીલીંગની અંતિમયાત્રા કાઢીઃ કેજરીવાલે સર્વપક્ષીય બેઠક બોલાવી

નવી દિલ્હી તા. ૧૩ :.. સિલીંગના વિરોધમાં આજે પાટનગર દિલ્હીની મુખ્ય બજારો બંધ રહી છે. ૭ લાખ વેપારીઓએ સજ્જડ વિરોધ નોંધાવ્યો છે. આજના બંધમાં દિલ્હીના રપ૦૦ વેપારી સંગઠનો જોડાયા છે. ૧ર૦૦ કરોડના કારોબારનું નુકશાન થયું છે ત્યારે વિવિધ બજારોમાં સિલીંગની અંતિમ યાત્રા કાઢવામાં આવી રહી છે.

 

દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે.

આ ઉપરાંત દિલ્હીના કરોલ બાગ ઉપર આવેલ આર્ય સમાજ રોડ ઉપર એક વેપારી પંચાયત બોલાવી છે જેમાં હવે પછી શું કરવું તેની ચર્ચા થશે. સમગ્ર દિલ્હીના વેપારી આ પંચાયતમાં જોડાશે.

દિલ્હીમાં બંધ દરમિયાન ઠેર ઠેર ધરણા-પ્રદર્શન-દેખાવો થઇ રહ્યા છે.

દિલ્હી ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (સીટીઆઇ)ના સંયોજક શ્રી વ્રજેશ ગોયલે કહ્યું છે કે આજનો દિલ્હી બંધ ઐતિહાસિક છે. તમામ રાજકીય પક્ષોના વેપારી સંગઠનોએ ટેકો આપ્યો છે. દિલ્હી બંધમાં તમામ વેપારી જોડાયા છે.દિલ્હીમાં ૧૦૦ જગ્યાએથી આજે 'સિલીંગ' ની નનામીઓ કાઢવામાં આવી છે અને અંતિમ સંસ્કાર નિગમ બોધ ઘાટે કરાશે.

દિલ્હી સરકાર દ્વારા સીલીંગની જોગવાઇ હેઠળ ૩૮૬૭ દુકાનો સીલ થઇ ગઇ છે. આ માટે કેન્દ્ર સરકાર પાસે તુરત જ એક ખરડો અથવા જાહેરનામુ બહાર પાડી સિલીંગની કાર્યવાહી તુરંત રોકી દેવા માગણી કરી છે. ગૃહમંત્રી રાજનાથસિંહને મળી સમાધાન માટે હસ્તક્ષેપ કરવા માગણી થઇ છે.

વેપારી સંગઠનો 'કેટ' એ માગણી કરી છે કે દિલ્હી મુખ્યમંત્રી કેજરીવાલ ૧૬ માર્ચથી શરૂ થઇ રહેલ વિધાનસભા સત્રના  પ્રથમ દિવસે જ સિલીંગ ઉપર 'રોક' લગાવતો ખરડો પસાર કરી કેન્દ્ર સરકારને મંજૂરી માટે મોકલી આપે અને દિલ્હીની ૩પ૧ સડકોને તુરત એની અસર આપે. (પ-૪)

(10:55 am IST)