મુખ્ય સમાચાર
News of Tuesday, 13th March 2018

અવાજથી પણ ૧૦ ગણી ગતિએ છૂટતી મિસાઇલનું પરિક્ષણ કરતું રશિયાઃ ૨૦૦૦ કિ.મી.ની ક્ષમતા

મોસ્‍કોઃ રશિયા અવાજની ગતિથી પણ ૧૦ ગણી ગતિ છૂટતી હાઇપર સોનિક મિસાઇલનું પરિક્ષણ કર્યુ હતું.

એક તરફ ઉ.કોરિયાના મિસાઈલ પરીક્ષણ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યા છે ત્યારે રશિયાએ રવિવારે જણાવ્યું કે, તેને એક હાઈપર-સોનિક મિસાઈલનું પરીક્ષણ કર્યું જેને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આદર્શ હથિયાર ગણાવ્યું છે. રશિયાના સરંક્ષણ મંત્રીએ જણાવ્યું કે, કિંઝલ મિસાઈલને MIG-31 સુપરસોનિક ઇન્ટરસેપ્ટર વિમાનમાં લાડવામાં આવ્યું હતું.

આ અંગે માહિતી આપતાં જણાવ્યું કે, આ વિમાને રશિયાના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં આવેલા દક્ષિણી સૈન્ય જિલ્લાના હવાઈ મથકથી ઉડ્યું હતું. મંત્રાલયે કહ્યું કે, યોજના અનુસાર હાઈપરસોનિક મિસાઈલનું પ્રક્ષેપણ થયું અને તેને પોતાનું લક્ષ્‍ય સાધ્યું હતું. મંત્રાલય તરફથી એક વીડિયો પણ જાહેર કરવામાં આવેલ છે. જેમાં બે પાયલોટ વિમાન ઉડાવવા માટે સજ્જ જોવા મળે છે.

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને આ મિસાઈલને એક આદર્શ હથિયાર ગણાવ્યું છે. પુતિને આ મહિનાની શરૂઆતમાં પોતાના રાષ્ટ્રને સંબોધિત કરતાં કહ્યું કે, કિંઝલ મિસાઈલ નવા હથિયારોમાં એક છે. પુતિને કહ્યું કે, મિસાઈલની ઝડપ અવાજની ગતિથી દસ ગણી વધુ ઝડપથી ઉડાન ભરી શકે છે અને તે એર-ડિફેન્સ વ્યવસ્થાને પાછળ મુકી શકે છે. જેની ક્ષમતા 2000 કિમી જેટલી છે. તેમણે કહ્યું કે, મિસાઈલને 1 ડિસેમ્બરથી દક્ષિણી સૈન્ય જિલ્લામાં મુકવામાં આવશે. જે લશ્કરની ક્ષમતા વધારશે.

(5:30 pm IST)