મુખ્ય સમાચાર
News of Tuesday, 13th March 2018

યુપીના લોકો વંશવાદી-તકવાદી જોડાણવાળી સરકારથી તંગ આવી ગયા છે : મુખ્‍યમંત્રી યોગીની સટાસટી

ગોરખપુર: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુર ખાતે યોજાનારી ચૂંટણી માટેના પ્રચારમાં કરેલા સંબોધનમાં જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશના લોકોને વંશવાદી, તકવાદી જોડાણવાળી સરકાર ખપતી નથી. સમાજવાદી પાર્ટીને નિશાન બનાવી યોગીએ ઔરંગઝેબની સરકાર ગણાવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશના લોકોને સુનિયોજિત અને વિકાસલક્ષી સરકાર જોઈએ છે તેમણે અખિલેશ યાદવની પાર્ટીને નિશાન બનાવી જણાવ્યું હતું કે ભાજપની સરકાર બહારથી ઉમેદવાર લાવવાનું પસંદ કરશે નહીં.

સમાજવાદી પાર્ટીએ ફુલપુર અને ગોરખપુર ખાતે યુપી બહારના ઉમેદવારોને હાથી અને સાઇકલના નિશાન દ્વારા ચૂંટણી લડાવી હતી. જેની સામે કટાક્ષ કરતા યોગીએ ઉમેર્યું હતું કે લોકો જાણે છે કે સાઇકલ પર હાથી ચાલી શકે નહીં.

તેમણે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના ગઠબંધનને કામચલાઉ અને તકવાદી ગણાવ્યું હતું.

તેમણે યુપીમાં તેમના ૧૧ મહિનાના શાસન દરમિયાન થયેલા વિકાસ અને બદલાવને ધ્યાનમાં રાખી લોકોને મત આપવા અપીલ કરી હતી. ભાજપ તરફથી ઉપેન્દ્ર દત્તે ઉમેદવારી નોંધાવી છે.

આદિત્યનાથે પ્રતિમા તોડી પાડવાની ઘટનાને વખોડી હતી અને ઉમેર્યું હતું કે ભાજપ લોકલાગણી સાથે રમત કરતા પક્ષોની નકારાત્મક રાજનીતિ નહીં ચલાવી લે.

(9:36 am IST)