મુખ્ય સમાચાર
News of Tuesday, 13th February 2018

કેરળઃ કોચિન શિપયાર્ડમાં વિસ્ફોટઃ ૫ના મોત

૧૧ને ઇજાઃ વિસ્ફોટનું કારણ અકબંધઃ ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે :કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવાર પ્રત્યે શોક વ્યકત કર્યો

કોચીન તા. ૧૩ : કેરળના કોચિન શિપયાર્ડમાં વિસ્ફોટ થતાં મોટી દુર્ઘટના સર્જાઇ છે. જેમાં પાંચ લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યાં છે. આ બ્લાસ્ટમાં ૧૧ લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા છે. હાલ ફાયરબ્રિગેડની ગાડીઓ સ્થળ પર પહોંચી ગઇ છે. આગ પર કાબૂ મેળવવાની કોશિષ ચાલી રહી છે.

જો કે પ્રાથમિક વિગત મુજબ ONGCનું સાગર ભૂષણ નામનું આ શિપ સમારકામ માટે કોચ્ચિન શિપયાર્ડ લવાયું હતું. આ દરમિયાન વોટર ટેન્કમાં કોઈ કારણસર બ્લાસ્ટ થયો હતો.કોચ્ચિન શિપયાર્ડ લિમિટેડના પ્રવકતાએ જણાવ્યું કે, 'બે ક્રૂ મેમ્બર શિપની અંદર ફસાયેલાં છે. જેને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે રેસ્કયૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.'

મીડિયા રિપોર્ટ્સના મતે મંગળવારના રોજ અચાનક જ શિપયાર્ડમાં જોરથી ઘડાકાનો અવાજ સંભળાયો. ત્યારબાદ અફડાતફડીનો માહોલ સર્જોય હતો. અકસ્માતમાં ૫ લોકોના મોતની માહિતી મળી છે. જયારે ૧૧ લોકોને ઇજા પહોંચી છે. શિપયાર્ડમાં ધડાકાની માહિતી મળતા જ ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. ધડાકાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

કેન્દ્રીય રોડ એન્ડ ટ્રાંસપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીએ આ દૂર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવાર પ્રત્યે શોક વ્યકત કર્યો છે. ઘાયલોને તમામ મેડિકલ સુવિધાઓ આપવાના નિર્દેશ આપવામાં આવ્યાં છે.

(4:13 pm IST)