મુખ્ય સમાચાર
News of Tuesday, 13th February 2018

કાશ્મીરમાં કાર-બોમ્બથી હુમલો થવાનો છે?

એ માટે જૈશ- એ- મોહમ્મદ અને લશ્કર- એ- તય્યબાએ હાથ મિલાવ્યાઃ ટાર્ગેટ કોઇ સિનિયર અધિકારીનું ઘર, વિધાનસભા, આર્મી કેમ્પ કે મોટી હોટેલ હોઇ શકે

શ્રીનગર તા. ૧૩ : કાશ્મીરમાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તય્યબાના આતંકવાદીઓ વિસ્ફોટકથી ભરેલી કાર કે ટ્રકથી મોટો હુમલો કરવાની તૈયારીમાં છે.

 

૧૫ જાન્યુઆરીએ કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓએ ફિદાયીન હુમલા માટે અનેક એલર્ટ જાહેર કર્યાના સમાચાર આવ્યા હતા. ત્યારબાદ અત્યાર સુધીમાં કાશ્મીરમાં બે અને જમ્મુમાં એક એમ કુલ ત્રણ મોટા ફિદાયીન અટેક થઇ ચૂકયા છે, જેમાં ૬ જવાન શહીદ થયા છે. સામે પક્ષ દસ આતંકવાદીઓ પણ માર્યા ગયા છે.

જૈશ-એ-મોહમ્મદ આ અગાઉ ૨૦૦૧માં આવા જ ફિદાયીન હુમલા કરી ચૂકયું છે, જેમાં ત્રણ આતંકવાદીઓએ વિસ્ફોટકથી ભરેલી તાતા સુમોનો ઉપયોગ કરીને જમ્મુ-કાશ્મીરની વિધાનસભા પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ત્રણે આતંકવાદીઓ ઉપરાંત ૪૦ કરતા વધુ લોકોનાં મૃત્યુ થયા હતા. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, કોઇ વરિષ્ઠ અધિકારીનું ઘર, વિધાનસભા, આર્મી કેમ્પ કે મોટી હોટેલ જેવા સ્થળે આવો મોટો હુમલો કરવા માટે જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તય્યબા સાથે મળીને કામ કરી રહ્યા છે.(૨૧.૧૩)

(10:52 am IST)