મુખ્ય સમાચાર
News of Tuesday, 13th February 2018

યુવક અને યુવતી પ્રેમ નહીં કરે તો સંસાર કેમ ચાલે? તોગડિયા

વેલેન્ટાઇન ડેની પૂર્વસંધ્યાએ વિહિપના નેતાનું આ બયાન ચોંકાવનારૂ છે

ચંડીગઢ તા. ૧૩ : વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ ચંડીગઢમાં કાર્યકર્તાઓને સંબોધિત કરતાં સૌ કોઇને ચોંકાવી દીધું  હતું. તોગડિયાએ કહ્યું કે વેલેન્ટાઇન ડે પર કોઇ જાતનો વિરોધ પ્રદર્શન કે હિંસા નહીં કરાય.

 

તોગડિયાએ વેલેન્ટાઇન ડેનું સમર્થન કરવાની સાથે કહ્યું કે જો યુવક અને યુવતી પ્રેમ નહીં કરે તો સંસાર કેમ ચાલશે. એ સાથે તેમણે ઉમેર્યું હતું કે યુવાનો પ્રેમ નહીં કરે તો લગ્ન નહીં થાય, લગ્ન નહીં થાય તો સૃષ્ટિ કેવી રીતે ચાલશે? યુવાનો અને યુવતીઓને પ્રેમ કરવાનો પૂરો અધિકાર છે અને એ તેમને મળવો જોઇએ. મેં સંદેશ આપી દીધો છે કે આપણી દીકરીને પણ પ્રેમ કરવાનો હક છે અને બહેનને પણ.

ઉલ્લેખનીય છે કે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના નેતા અને કાર્યકર્તા વરસોથી વેલેન્ટાઇન ડેનો વિરોધ કરતા આવ્યા છે. એટલું જ નહીં, એના વિરુદ્ઘ ફરમાન જારી કરી લોકોને ચેતવણી પણ આપતા હતા. ત્યારે વેલેન્ટાઇન ડેની પૂર્વસંધ્યાએ વિહિપના નેતાનું આ બયાન ચોંકાવનારું છે.

(10:51 am IST)