મુખ્ય સમાચાર
News of Tuesday, 13th February 2018

ઇન્ટરસિટી રૂટ્સ પર ટ્રેન ૨૫૦ કિમીની ઝડપે દોડશે

૧૦ હજાર કિમીના હાઇસ્પીડ કોરિડોર બનાવાશે

નવી દિલ્હી તા. ૧૩ : જો તમે રાત્રે ટ્રેનનો પ્રવાસ ખેડતા હોવ તો તમારા માટે સારા સમાચાર છે. ઓવરનાઇટ ઇન્ટરસિટી સફરને વધુ ઝડપી બનાવવા માટે સરકાર વિચારી રહી છે. ચાલુ વર્ષે એપ્રિલ માસમાં હાઇસ્પિડ કોરિડોર્સની ઘોષણા થશે જેના પર ટ્રેન ૨૦૦થી ૨૫૦ કિમી પ્રતિકલાકની ઝડપે દોડશે. રેલવેમંત્રી પીયૂષ ગોયલે હાઇસ્પીડ કોરિડોર્સની ઓળખાણ કરવા અને નિર્માણ ખર્ચ ઘટાડવાની જવાબદારી રેલવે બોર્ડને સોંપી છે.

સૂત્ર મુજબ એપ્રિલ ૨૦૧૮માં રેલવેમંત્રી ૧૦ હજાર કિલોમીટરના આવા હાઇસ્પીડ કોરિડોરની ઘોષણા કરી શકે છે, જેના પર ટ્રેન ૨૦૦થી ૨૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે.

'લોકોને ઘરે પહોંચ્યા બાદ ઓફિસ જવાનો પર્યાપ્ત સમય મળી રહે તેવા સમયે ટ્રેન પોતાના લક્ષ્યસ્થાન પર પહોંચે તેવી યોજના છે.' એક અધિકારીએ જણાવ્યું કે હાઇ સ્પીડ કોરિડોરના નિર્માણ પર થતા ખર્ચને ઘટાડવા પર રેલવે કામ કરી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે હાઇ સ્પીડ કોરિડોર બનાવવા માટે પ્રતિ કિલોમીટર ૧૦૦ કરોડ રૂપિયાનો ખર્ચો થતો હોય છે. આ ખર્ચો ઘટાડીને અડધો કરી શકાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. આના માટેની અનેક યોજનાઓ પર કામ ચાલી રહ્યું છે. જેમાં રાષ્ટ્રીય રાજયમાર્ગો પર બે ટ્રેક કોરિડોર અથવા રેલવેની જમીન પર ટ્રેક પાથરવામાં આવશે.

એક અધિકારીએ કહ્યું કે, આનાથી ભૂમિ-અધિગ્રહણની કિંમતોમાં ઘટાડો થશે. જણાવી દઇએં કે કોઇપણ પ્રોજેકટ માટે સૌથી વધુ ખર્ચો જમીન-હસ્તાંતરણ પર થતો હોય છે. ટ્રેન એયરલાઇન્સના વિકલ્પના રૂપે સામે આવી શકે તે માટે રેલવે નાના રૂટ્સ માટે પણ કોરિડોરના નિર્માણ પર વિચાર કરી રહી છે.

અધિકારીએ કહ્યું કે હાલ ઇન્ટરસિટી ટ્રેન મુંબઇ અને પુણે વચ્ચેના રૂટ પર ૩ કલાકનો સમય લે છે. જો આ સમયને ૧થી ૨ કલાક કરવામાં સફળ થઇએં તો પ્રવાસીએ ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરી શકે.(૨૧.૭)

 

(10:47 am IST)