મુખ્ય સમાચાર
News of Wednesday, 13th January 2021

તુર્કી : ૧૦૦૦ ગર્લફ્રેન્ડવાળા ઇસ્લામિક પ્રચારકને ૧૦૭૫ વર્ષની સજા

ઘરેથી ૬૯ હજાર ગર્ભનિરોધક ગોળીઓ જપ્ત કરાઇ

અંકારા,તા. ૧૩: તુર્કીની એક અદાલતે સોમવારે ઇસ્લામિક પ્રચારક અને લેખક અદનાન ઓકતારને અલગ-અલગ ગુનાઓ હેઠળ ૧૦૭૫ વર્ષની સજા સંભળાવી હતી. સમાજીક તત્વોની ગેંગ, કૌભાંડો કરવા અને મહિલાઓનું શારિરીક શોષણ કરવા સહિત અનેક ગુનાઓમાં દોષી જાહેર કરાયેલા ઇસ્લામિક પ્રચારકની ૨૦૧૮માં ધરપકડ કરવામાં આવી હતી. તેની સાથે દેશભરમાં તેના અનેક સમર્થકોને પણ જેલભેગા કરવામાં આવ્યા હતા. અદનાન તુર્કીમાં લોકોને કટ્ટરપંથી મત વિશે ઉપદેશ આપતો હતો અને મહિલાઓને બિલ્લીઓ કરીને સંબોધતો હતો. તેને સંભળાવવામાં આવેલી સજા સતત ચાલશે.

તુર્કીના ઇસ્લામિક પ્રચારકે તમામ આરોપોને ખોટા ગણાવી મૂકિતની માંગ કરી હતી, તે પોતાની એક ટીવી ચેનલ ચલાવતો હતો. જેની પર ઇસ્લામિક વિષયો પર શો કરતો. સ્થાનિક મીડિયા મુજબ શો દરમિયાન અદનાન યુવતીઓ સાથે કરેલા ડાન્સનું પ્રસારણ પણ કર્યુ હતું જેમાં યુવતીઓ અર્ધનગ્ન હતી. 

તુર્કી કોર્ટ દ્વારા અદનાનની મુખ્ય ટીમને પણ વર્ષોની જેલ સજા સંભાળવામાં આવી હતી. આ પહેલા ડિસેમ્બરમાં ટ્રાયલ દરમિયાન અદનાને ખુલાસો કર્યો હતો કે તેની ૧૦૦૦ ગર્લફ્રેન્ડ હતી. તે પોતાને અસાધારણ અને શકિતશાળી પુરુષ ગણાવતો હતો.

પોલીસ તપાસ દરમિયાન ઇસ્લામિક પ્રચારકના દ્યરેથી ૬૯ હજાર ગર્ભનિરોધક ગોળી જપ્ત કરાઇ હતી. સુનાવણી દરમિયાન એક પીડિતાનું કહેવુ હતું કે અદનાને તેની અને અન્ય મહિલાઓનુ અનેકવાર શારિરીક શોષણ કર્યુ હતું. કેટલીક મહિલાઓ પર તેણે બળાત્કાર ગુજાર્યો હતો અને મહિલાઓને ગર્ભનિરોધક ગોળી લેવા મજબૂર કરતો હતો.

(10:06 am IST)