મુખ્ય સમાચાર
News of Saturday, 13th January 2018

મહારાષ્ટ્રમાં ૨ સમલૈંગિક યુવકોના લગ્નઃ દેશ-વિદેશથી મહેમાનો પધાર્યા

ભારતીય મૂળના અમેરિકી નાગરિકે પોતાના ગે પાર્ટનર સાથે કર્યા લગ્ન

મુંબઇ તા. ૧૩ : મહારાષ્ટ્રના યવતમાળમાં એક પુસ્તક વિક્રેતાના પુત્રએ ઈન્ડોનેશિયામાં રહેતા પોતાના સમલૈંગિક સાથી સાથે લગ્ન કર્યા હતાં. યવતમાળ જીલ્લામાં આ પહેલા સમલૈંગિક લગ્ન છે. આ લગ્નની આખા શહેરમાં ચર્ચા થઈ રહી છે.

આ લગ્નનું આયોજન ૩૦ ડિસેમ્બરે ગુપ્ત રીતે શહેરની એક પોશ હોટલમાં કરવામાં આવ્યું હતું. લગ્નના ફોટા સોશિયલ મીડિયામાં વાઈરલ થતા લોકોને ઘટનાની જાણ થઈ હતી. બંન્ને યુવકો અમેરિકામાં એક કંપનીમાં સાથે કામ કરતાં હતાં અને ત્યાં તેઓ લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા હતાં.

યવતમાળમાં રહેતા યુવકે જયારે તેના માતા-પિતાને સમલૈંગિક મિત્ર વિષે જણાવ્યું તો તેઓ આશ્યર્યચકિત રહી ગયાં હતાં. માતા-પિતાએ પુત્રને આમ કરવા ઘણો સમજાવ્યો હતો પરંતુ તે પોતાના નિર્ણય પર અડગ રહ્યો હતો. આખરે માતા-પિતાએ પુત્રને લગ્ન માટે મંજુરી આપી હતી.

દેશ વિદેશથી મહેમાનો પધાર્યાં હતાં. લગ્નમાં અમેરિકા અને ચીનથી ૭૦ થી ૮૦ જેટલા લોકો પધાર્યા હતાં. ચીન અને અમેરિકાથી પધારેલા આ મહેમાનોમાં પણ ૧૦ સમલૈંગિક જોડીઓ હતી. અહેવાલો અનુસાર લગ્ન બાદ બંને હનીમૂન પર ઉપડી ગયાં હતાં.(૨૧.૧૫)

(11:47 am IST)