મુખ્ય સમાચાર
News of Saturday, 13th January 2018

પ્રાંસલા શિબિરમાં અગ્નિતાંડવઃ ૩ કિશોરીઓના મોત

પૂ. ધર્મબંધુજી આયોજિત શિબિરમાં મોડી રાત્રે શોર્ટસર્કીટને કારણે ભયાનક આગ ફાટી નીકળીઃ ૬૦ ટેન્ટ સળગીને ભસ્મીભૂતઃ ૪૦ શિબિરાર્થીઓને ઇજાઃ ૨ ગંભીરઃ મૃતક કિશોરીઓ રાજકોટ - સાયલા - મોરબી પંથકનીઃ સવાર સુધી રેસ્કયુ ઓપરેશનઃ શિબિરની પૂર્ણાહુતી કરી દેવાઇઃ જિલ્લા કલેકટર સહિત ઉચ્ચ અધિકારીઓ દોડી ગયાઃ આર્મી - નેવી - ફાયરબ્રિગેડના જવાનોની કાબીલેદાદ કામગીરી શિબિરાર્થીઓ આરામ કરતા હતા ત્યારે જ આગ ફાટી નીકળી

ઉપલેટા : તાલુકાના પ્રાંસલા ખાતે આયોજીત રાષ્ટ્રકથા શિબિરમાં કાલે ભયાનક આગ લાગતા અફડા-તફડી મચી ગઇ હતી. તસ્વીરમાં આગની જવાળાથી સળગી ગયેલા ટેન્ટ, ઘટના સ્થળે સુરક્ષા જવાનો તથા છેલ્લી તસ્વીરમાં પૂ. ધર્મબંધુજી રાજકોટ જિલ્લા કલેકટર ડો. વિક્રાંત પાંડે, જિલ્લા પોલીસ વડા અંતરીપ સુદ અને રેન્જ આઇજી ડી.એન.પટેલ નજરે પડે છે. (તસ્વીર : કૃષ્ણકાંત ચોટાઇ, ઉપલેટા)

 

ભાયાવદર - ઉપલેટા - રાજકોટ તા. ૧૩ : ઉપલેટા તાલુકાના પ્રાંસલા ખાતે પૂ. ધર્મબંધુજી સ્વામીની અધ્યક્ષતામાં આયોજીત રાષ્ટ્રકથા શિબિરમાં કાલે રાત્રીના શોર્ટસર્કિટના કારણે ટેન્ટમાં આગ લાગતા ૩ વિદ્યાર્થીની ભડથુ થતાં અરેરાટી વ્યાપી ગઇ છે. જ્યારે ૪૦ જેટલી શિબિરાર્થીઓને ઇજા થતાં તાત્કાલિક સારવાર માટે ખસેડાયેલ છે. આ આગમાં ૬૦ જેટલા ટેન્ટ ખાખ થઇ ગયા હતા. આર્મીના જવાનો, નેવીની ટીમ, એનડીઆર એફ સહિતની ટીમે તાત્કાલિક દોડી જઇને બચાવકાર્ય હાથ ધરતા મોટી જાનહાની ટળી હતી.

 

આ આગમાં સાયલા તાલુકાના ધમરાપરા ગામની વનિતા સવશીભાઇ જમોડ (ઉ.વ.૧૬), જસદણ તાલુકાના આંબરડી ગામની કિંજલ અરજણભાઇ શિયાળ (ઉ.વ.૧૪) અને મોરબી પંથકની આશ્રમ શાળામાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની આ આગમાં મોતને ભેટતા અરેરાટી વ્યાપી ગઇ છે.

રાજકોટ જિલ્લાના ઉપલેટાથી ૩૦ કિમી દૂર આવેલા પ્રાંસલામાં ચાલી રહેલી રાષ્ટ્રકથા શિબિરમાં વિદ્યાર્થિનીઓના ટેન્ટમાં શુક્રવારની મોડી રાત્રે શોટસર્કિટના કારણે અચાનક આગ લાગી ઊઠી હતી. આ દુર્ઘટનામાં ૬૦-૭૦ જેટલા ટેન્ટ બળીને ખાખ થયા છે જેમાં શિબિરમાં ભાગ લેવા આવેલ ત્રણ કિશોરી ભડથું થઇ ગઇ હતી.

આગજનીની આ દ્યટનામાં ૧૫ જેટલી કિશોરીઓ દાઝી જતાં ધોરાજી, પોરબંદર અને ઉપલેટાની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઇ છે. સ્વામી ધર્મબંધુજી મહારાજ દ્વારા આયોજીત આ કેમ્પમાં ૧૦૦૦૦થી શિબિરાર્થીઓ હતા ત્યારે સ્થળ પર હાજર અર્ધલશ્કરી દળ, આર્મી અને નેવીના જવાનોની ત્વરીત કામગીરીથી મોટાભાગના શિબિરાર્થીઓનો બચાવ થયો હતો.

બનાવની જાણકારી મુજબ શુક્રવારની મોડી રાત્રેના જયાં વિદ્યાર્થિનીઓ સૂતી હતી ત્યાં શોટસર્કિટના કારણે આગ ભભૂકી ઊઠી હતી. આગ પર યુદ્ઘધોરણે કાબૂ મેળવી લેવાયો હતો પરંતુ આગનું સ્વરુપ એટલું વિકરાળ હતું કે ગણતરીની મિનિટોમાં ૬૦ જેટલા કેમ્પ અને ૩૦૦ વિદ્યાર્થીઓનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો.

આ ઉપરાંત બચાવ કામગીરી કરતા આર્મી, એનડીઆરએફ અને નેવીના જવાનોએ શિબિર સ્થળ આસપાસ સર્ચ ઓપરેશન કરીને કિશોરીઓને સલામત સ્થળે ખસેડી હતી. બનાવની જાણ થતાં રાજકોટના કલેકટર વિક્રાંત પાંડે અને જિલ્લા પોલીસવડા અંતરીપ સુદ પણ મોડી રાત્રિના પ્રાંસલા પહોંચ્યા હતા.

ધોરાજી, ઉપલેટા ઉપરાંત પોરબંદરથી પણ ફાયર ફાઇટરો બોલાવવામાં આવ્યા હતા તેમજ આગના કારણે દાઝી ગયેલી કિશોરીઓ અને નાસભાગમાં જેઓને ઇજા થઇ હતી તેઓને હોસ્પિટલે પહોંચાડવા માટે ૧૦૮ સહિત ૪૦ જેટલી એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અને ઇજાગ્રસ્તોને તાકીદે નજીકના શહેરની હોસ્પિટલમાં પહોંચાડી ઝડપથી સારવાર શરૂ કરાવવામાં આવી હતી.

આગના કારણે લગભગ એક કલાકથી વધુ અફરા-તફરીનો માહોલ રહ્યો હતો. આગ લાગતાંની સાથે જ કિશોરીઓમાં નાસભાગ મચી ગઇ હતી અને ભારે ગભરાટ ફેલાઇ ગયો હતો. જેથી આર્મીના જવાનોએ કિશોરીઓને સૌપ્રથમ તો સલામત સ્થળે ખસેડી હતી અને તેમનો ડર દૂર કરવા મોડી રાત્રે જ આર્મીના અધિકારીઓએ કાઉન્સેલિંગ પણ કર્યું હતું.

પ્રાંસલામાં વર્ષોથી રાષ્ટ્રકથા શિબિરનું આયોજન થાય છે. આ વખતે ૧૦ હજારથી વધુ શિબિરાર્થીઓએ ભાગ લીધો હતો. ત્યારે દિવસ દરમિયાનની અલગ-અલગ ઇવેન્ટમાં ભાગ લીધા બાદ મોટાભાગના શિબિરાર્થીઓ ભોજન બાદ આરામ કરી રહ્યા હતા. ત્યારે કિશોરીઓના ટેન્ટમાં આગ લાગી હતી.

પ્રાંસલામાં દરવર્ષે યોજાતી રાષ્ટ્રકથા શિબિરમાં યુવાઓમાં રાષ્ટ્રભાવન જાગે માટે જુદી જુદી ઇવેન્ટ યોજવામાં આવે છે. જેમાં આર્મી અને નેવીના જવાનો પણ ભાગ લે છે. ત્યારે ગત શુક્રવારથી શરૂ થયેલી શિબિરમાં પહેલાથી જ આર્મીના જવાનો ઉપસ્થિત હતા. જેથી આગ લાગતા જ આર્મીના જવાનો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગને કાબૂમાં લેવાની અને ફસાયેલાઓને બચાવાની કામગીરી શરૂ કરી હતી. સ્થળ પર હાજર રહેલા લોકોનું કહેવું છે કે આર્મી અને નેવી જવાનોના કારણે જ મોટી જાનહાની ટળી હતી.

ગુજરાત ઉપરાંત અલગ-અલગ રાજયોમાંથી પ્રાંસલા આવેલા ૧૬ હજારથી વધુ વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને રહેવા માટે હજારો ટેન્ટ લગાવવામાં આવ્યા હતા. જે વિભાગમાં આગ લાગી હતી ત્યાં બાજુ-બાજુમાં જ ટેન્ટ હતા. જેથી ૬૦ ટેન્ટ ક્ષણભરમાં જ સળગી ગયા હતા. આથી આસપાસના ટેન્ટમાં ભારે ધુમાડો થતાં કેટલીક કિશોરીઓ ટેન્ટમાં જ ફસાઇ હતી. જેને જવાનોએ સલામત બહાર કાઢી હતી. રાત્રિનો સમય હોવાથી બચાવ કામગીરીમાં પણ થોડી અડચણ આવી હતી.

તમામ ઈજાગ્રસ્ત થયેલી કિશોરીઓને ધોરાજી, પોરબંદર અને ઉપલેટાની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ છે. જાણકારી પ્રમાણે ૧૦ દિવસથી ચાલતી આ રાષ્ટ્રકથાનો શુક્રવારે છેલ્લો દિવસ હતો, ત્યારે જ આગ લાગવાની ઘટના બની હતી.

સ્વામી ધર્મબંધુ તરફથી રાષ્ટ્રકથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. જો કે શિબિરમાં કુલ ૧૬,૦૦૦થી પણ વધુ શિબિરાર્થીઓ હતા. રાત્રે અચાનક જ લાગેલી આગમાં ૫૦ ટેન્ટ બળીને ખાખ થઈ ગયા હતા અને ૩ કિશોરીઓના મોત થઈ ગયા હતા. જો કે આ આંકડો વધે તેવી પણ શકયતા છે.

મોટાભાગના શિબિરાર્થીઓ આરામ કર્યા બાદ રાત્રે પોતાના ટેન્ટમાં આરામ કરી રહ્યા હતા, ત્યારે જ આગ લાગી હતી. જો કે આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી, પણ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવું હાલ પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે.

આર્મીના અને નેવીના જવાનો દ્વારા શિબિરાર્થીઓને બચાવવામાં આવ્યા હતા. જો કે ફાયરની ટીમ પણ પહોંચી ગઈ હતી, ત્યાં સુધી આર્મીના જવાનોએ બચાવકાર્ય હાથ ધર્યું હતું.

શુક્રવારે રાત્રે લગભગ ૧.૩૦ વાગ્યે આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લેવાયો હતો. આર્મી, એનડીઆરએફ અને નેવીના જવાનોએ શિબિર સ્થળ આસપાસ સર્ચ ઓપરેશન શરૂ કરીને કિશોરીઓને સલામત સ્થળે ખસેડી હતી. લગભગ એક કલાકથી વધુ સમય સુધી અફડા-તફડીનો માહોલ રહ્યો હતો. સ્વામી ધર્મબંધુએ આ મામલે દુખ વ્યકત કર્યું છે. મોડી રાત્રીના લાગેલી આગ ફાયર ફાયટરોની ઝડપી કામગીરીના કારણે તાત્કાલિક કાબુમાં આવી ગઇ હતી.

આર્મી, એનડીઆરએફ, બીએસએફ, ફાયરબ્રિગેડ અને પોલીસ ટીમની ઝડપી કામગીરીથી મોટી જાનહાની અટકી

રાજકોટ તા. ૧૩ : ઉપલેટા ખાતે આયોજીત રાષ્ટ્રકથા શિબિરમાં દરરોજ જુદા-જુદા વકતાઓની સાથોસાથ ભારતીય સુરક્ષા જવાનોની ટીમો દ્વારા કુદરતી આપત્તિમાં કેવી રીતે બચાવ થઇ શકે? વગેરેની કામગીરીનું ડેમોસ્ટ્રેશન કરવામાં આવે છે.

મોડી રાત્રીના આગની ઘટના સર્જાતા અને ડીઆરએફ, લશ્કર, નેવી, ફાયર બ્રિગેડ, પોલીસની ટીમે બાજી સંભાળી લીધી હતી અને બચાવ અને રાહત કામગીરી શરૂ કરી દેતા મોટી જાનહાની અટકી હતી. આ સમયે તાત્કાલીક આગ ઉપર કાબુ મેળવી લેવાયો હતો.

પ્રાંસલામાં આગમાં દાઝી ગયેલા અને ઇજાગ્રસ્તો ઉપલેટા સારવારમાં

(કૃષ્ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા, તા. ૧૩ : પ્રાંસલા ખાતે આયોજીત રાષ્ટ્રકથા શિબિરમાં કાલે આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. જેમાં ર૧ જેટલા ઇજાગ્રસ્તોને ઉપલેટાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડેલ છે.

(૧) મકવાણા નિલમ બુધાભાઇ ઉ. ૧૦-આંબરડી (રાજકોટ) (ર) નયનાબેન કરશનભાઇ મકવાણા ઉ. ૧૬-બગસરા-અમરેલી  (૩) નિશાબેન લક્ષ્મણ શેખાવત ઉ.૧૮-સુરત (૪) ગોંડલીયા મહેક વિપુલભાઇ ઉ. ૧૪-બાબાપુર (અમરેલી) (પ) માણેક ધ્રુવીશા દિલીપભાઇ ઉ.૧૬-બાબાપુર(અમરેલી), (૬) ગોંધવીયા ખુશી મુકેશભાઇ ઉ.૧૪-મોરબી, (૭) દેલવાડીયા પ્રિયા અરવિંદભાઇ ઉ.૧૭-ધ્રોલ, (૮) વાઘેલા ભાવના પ્રફુલભાઇ ઉ.૧૮-ધ્રોલ (૯) વાછાણી જીનલ દિનેશભાઇ ઉ.૧૮-ધ્રોલ (૧૦) શાપરીયા નેહા ભુપેન્દ્રભાઇ ઉ.૧૬-ધ્રોલ (૧૧) લાલપરા આરજુ કિશોરભાઇ ઉ.૧૬-ધ્રોલ, (૧ર) આરદેશણા બંસી ભનુભાઇ ઉ.૧૬ -ધ્રોલ, (૧૩) વાંસજાળીયા ઉર્વશી પ્રકાશભાઇ ઉ.૧૬-ધ્રોલ, (૧૪) હબીબા સુલતાનના ઉ.૧પ-આસામ (૧પ) વીરડીયા દિક્ષીતા સંજયભાઇ ઉ.૧૬-રાજપરા (કોટડાસાંગાણી-રાજકોટ), (૧૬) ઓસાહેબ મમતા શીવદાસભાઇ ઉ.૧૬-રાજપરા (૧૭) કરમુર હેતલ ભીમજીભાઇ ઉ.૧૬-જામખંભાળીયા (૧૮) ચાવડા અનીશા હરદાસભાઇ ઉ.૧૭-દેવભૂમિ દ્વારકા-ભાટીયા (૧૯) પ્રતિક નાયક પ્રજ્ઞનાયક ઉ.૧૭-તમલીનાડુ (ર૦) લીલીયા ખાતુર ઉમાનઅલી ઉ.૧પ-આસામ (ર૧) આંબલીયા માયા ભુપતભાઇ ઉ.૧૪-ભાટીયા

(3:49 pm IST)