મુખ્ય સમાચાર
News of Saturday, 13th January 2018

ભૂલી જાવ Wi-Fi: આવે છે ૧૦૦ ગણું ફાસ્ટ Li-Fi!

રિસર્ચની દુનિયામાં કરી બતાવ્યું હટકે

નવી દિલ્હી તા. ૧૩ : ૨૨ વર્ષના દીપક સોલંકીએ પોતાની પ્રતિભાના બળે આ અદભુત વિષય વિશે વિચાર્યું હતું. IIT બોમ્બે અને IIT હૈદરાબાદમાં રોબોટ સાથે રમનારો એન્જિનિયરિંગનો આ વિદ્યાર્થી રિસર્ચની દુનિયામાં કંઈક અલગ કરવા માગતો હતો. વર્ષ ૨૦૧૨માં દીપકે વ્યકિતગત પ્રોપ્રાયટરશિપ ધરાવતા બિઝનેસનું રજિસ્ટ્રેશન કરાવ્યું, જે લાઇફ ફિડેલિટી (Li-Fi) ટેકિનક ધરાવતા ક્ષેત્રમાં કામ કરવાની હતી.

 

આજના સમયમાં ઇન્ટરનેટ રેડિયો વેવ્સ દ્વારા ચાલે છે અને Wi-Fi આ વેવ્સનો ઉપયોગ ડેટા ટ્રાન્સમિટ કરવામાં કરે છે અથવા ઇન્ટરનેટ સ્પીડ વધારવામાં. Li-Fi એવી ટેકિનક છે, જે ડેટા ટ્રાન્સમિશનને સપોર્ટ કરે છે અથવા પ્રકાશનો ઉપયોગ કરી ઇન્ટરનેટની સ્પીડ વધારે છે. યુનિવર્સિટી ઓફ એડિનબર્ગના પ્રોફેસર હેરાલ્ડ હાસે ૨૦૧૧ની TED ગ્લોબલ ટોકમાં આ આવિષ્કાર વિશે જાણકારી આપી હતી. આ ટેકિનક નેટવર્ક, મોબાઇલ હાઈ-સ્પીડ કોમ્યુનિકેશન માટે LED બલ્બનો ઉપયોગ કરતું હતું. તેમાં સૌથી અનોખી વાત એ છે કે, Li-Fi દ્વારા ઇન્ટરનેટ સ્પીડ Wi-Fiની સરખામણીમાં ૧૦૦ ગણી વધુ ઝડપી હોવાનો દાવો કરાયો છે.

વિએલમન્ની રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (ઇન્ડિયા)ના ફાઉન્ડર તથા સીઈઓ દીપક સોલંકીએ ૨૦૧૩ના ઉનાળા સુધી આ ટેકિનકના પ્રોટોટાઇપ પર કામ કરવાનું શરૂ કર્યું હતું. તેમને આશા હતી કે, આ ક્રાંતિકારી ટેકિનકને ઘણું સમર્થન મળશે. ૨૭ વર્ષીય દીપક કહે છે કે, 'હું લાઇટ દ્વારા ડેટા ટ્રાન્સમિટ કરવામાં સફળ થઈ ગયો હતો અને શરૂઆતમાં મેં વિચાર્યું હતું કે, અમારે કોઈ લાઇટિંગ કંપની પાસે જવું જોઈએ, કારણ કે આ ટેકિનકમાં LED બલ્બનો સમાવેશ થાય છે. જોકે કોઈએ પણ તેમાં રુચિ દાખવી નહોતી, ત્યારે હું ફંડ માટે રોકાણકારો પાસે પહોંચ્યો. ત્યાર બાદ હું મારી પ્રોડકટના પ્રોટોટાઇપમાંથી વર્કિંગ મોડલ તરફ વધ્યો.' ૨૦૧૪માં દીપકને ઇસ્તોનિયામાં બુલ્ડઇટ હાર્ડવેર કંપનીમાં કામ કરવાની તક મળી. ૨૦૧૫ના ઉનાળા સુધીમાં દીપક ભારત પાછો આવ્યો, કારણ કે તે દેશમાં પોતાની R&D ટીમ બનાવવા માગતો હતો.

આ ટેકિનક કેવી રીતે કામ કરે છે તેની પર વિએલમન્નીએ બે અલગ અલગ ડિવાઇસ બનાવ્યાં છે. એક ડિવાઇસ ઇન્ડોર માટે છે અને એક આઉટડોર માટે. ઇન્ડોર ડિવાઇસમાં એક એકસેસ પોઇન્ટ અને એક ડોંગલ હોય છે. Li-Fi એકસેસ પોઇન્ટ પણ Wi-Fi જેવું હોય છે, જેમાં રાઉટર હોય છે. સોલંકી કહે છે કે, 'અમે Li-Fi એકસેસ પોઇન્ટમાં લાઇટના સોર્સ પાસે પ્લગ લગાવીએ છીએ, એટલે કે જયાં LED હોય છે. રાઉટરને LED અને LED ડ્રાઇવર વચ્ચે પ્લગ કરવામાં આવે છે. અમારી પાસે એક USB ડોંગલ પણ હોય છે, જેના દ્વારા લેપટોપ, ડેસ્કટોપ કે સ્માર્ટ ડિવાઇસ સાથે પણ કનેકટ કરી શકાય છે.' આઉટડોર માટે કંપની પાસે અલગ ડિવાઇસ હોય છે.

સપ્ટેમ્બર, ૨૦૧૭માં વિએલમન્નીએ એરક્રાફટ ઇન્ટીરિયો એકસ્પો બોસ્ટનમાં પ્રોડકટનું સોફટ લોન્ચ કર્યું હતું. આ વર્ષથી જ વિએલમન્નીની આ પ્રોડકટમાં લોકોની રૂચિ વધવી લાગી અને ભારતીય બજારમાં પણ તેમાં લોકો રૂચિ દર્શાવી રહ્યા છે.(૨૧.૪)

(9:51 am IST)