મુખ્ય સમાચાર
News of Saturday, 13th January 2018

હવે એડ્રેસ પ્રુફ તરીકે પાસપોર્ટનો ઉપયોગ નહીં કરી શકો

વિદેશ મંત્રાલયે કરી જાહેરાતઃ બે રંગના કવરમાં જારી થશે પાસપોર્ટ

નવી દિલ્હી તા. ૧૩ : જલ્દી જ તમારું પાસપોર્ટ એડ્રેસ પ્રૂફ તરીકે ઉપયોગમાં નહીં લઈ શકો. વિદેશ મંત્રાલયની જાહેરાત અનુસાર હવે પાસપોર્ટનું છેલ્લું પેજ પ્રિન્ટ નહીં કરવામાં આવે. ભારતીય પાસપોર્ટના છેલ્લા પાના પર નામ, પિતા અથવા કાનૂની વાલીનું નામ, માતાનું નામ, પત્નીનું નામ અને એડ્રેસ છપાયેલું હોય છે. આ નિર્ણય વિદેશ મંત્રાલય અને મહિલા અને બાળ વિકાસ મંત્રાલયનું રચેલી ત્રણ સદસ્યની સમિતિના રિપોર્ટ બાદ લેવામાં આવ્યો છે. સમિતિએ આ બાબતોની સમીક્ષા કરી જેમાં કહેવાયું હતું કે શું પાસપોર્ટમાંથી પિતાનું નામ હટાવી શકાય છે?

 

વિદેશ મંત્રાલયના પ્રવકતાએ કહ્યું કે સમિતિના રિપોર્ટને સ્વીકારી લેવામાં આવી છે. નવા વર્ઝનમાં પાસપોર્ટના છેલ્લા પાનાને ખાલી રાખવામાં આવશે. જોકે બધી જ જાણકારી હજુ પણ વિદેશ મંત્રાલયના સિસ્ટમમાં જમા રહેશે એટલે તેનાથી સરકારી સ્તર પર કોઈ ફરક પડશે નહીં.

 

પ્રવકતાએ કહ્યું કે, હવે પાસપોર્ટના છેલ્લા પાના પર પ્રિન્ટ નહીં થાય, ઈસીઆર (ઈમિગ્રેશન ચેક રિકવાયર્ડ) સ્ટેટસ વાળા પાસપોર્ટ ધારકોને નારંગી રંગના જેકેટ વાળા પાસપોર્ટ જારી કરવામાં આવશે અને નોન ઈસીઆર સ્ટેટસવાળા લોકો માટે નિયમિત વાદળી રંગના પાસપોર્ટ જારી કરવામાં આવશે.(૨૧.૩)

(9:58 am IST)