મુખ્ય સમાચાર
News of Saturday, 13th January 2018

ર૦૦૦ની નોટ પાછી ખેંચાશે ? ATMમાં ભરવાનું બંધ કરાયું

સરકારે-રિઝર્વ બેંકે રૂ.ર૦૦૦ની નોટો છાપવાનું બંધ કરી દીધુ છેઃ ર૦૦૦ને બદલે રૂ.પ૦૦ અને ર૦૦ની નોટનું ધડાધડ પ્રિન્ટીંગઃ એટીએમમાં ર૦૦૦ની નોટ નહી ભરવા રિઝર્વ બેંકે આપ્યા આદેશઃ નાની નોટો ભરાશેઃ આગામી દિવસોમાં બેંકો ર૦૦૦ની નોટ સ્વીકારશે પરંતુ ગ્રાહકોને આપશે નહિ : વિચારાતુ પગલુ

નવી દિલ્હી તા.૧૩ : સરકારે ર૦૦૦ રૂ.ની નોટનું ચલણ માર્કેટમાંથી ઓછુ કરવાના પગલા લેવાની શરૂઆત કરી છે. આનાથી સંકેત મળે છે કે આવતા દિવસોમાં ધીમે-ધીમે રૂ.ર૦૦૦ની નોટ ચલણમાંથી બહાર થઇ શકે છે. બેંકોને જણાવાયુ છે કે, તેઓ પોતાના એટીએમમાં ર૦૦૦ની નોટ ન ભરે. આ સિવાય બેંકોને મળતી કેશમાં ર૦૦૦ રૂ.ની નોટ આપવામાં આવતી નથી.

બેંકોએ પોતાના એટીએમ સેલને નિર્દેશો આપ્યા છે કે તેઓ હવે રૂ.ર૦૦૦ની નોટ એટીએમમાં ન ભરે. એટીએમમાં રૂ.ર૦૦૦ના ખાંચાને દુર કરી તેની જગ્યાએ રૂ.પ૦૦ અને રૂ.ર૦૦ની નોટના ખાંચા લગાવવામાં આવશે એટલે કે એટીએમમાં નાની નોટો ભરવામાં આવશે.

અત્રે એ નોંધનીય છે કે રિઝર્વ બેંકે પહેલા રૂ.ર૦૦૦ની નવી નોટ ન છાપવાનો નિર્ણય લીધો છે હવે રૂ.ર૦૦૦ની જગ્યાએ પ૦૦ અને ર૦૦ની નોટની છપામણી થઇ રહી છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે સરકારની હાલ તુર્તની યોજના ચરણબધ્ધ રીતે એટીએમમાંથી ર૦૦૦ની નોટનો ઉપાડ સમાપ્ત કરવાનો છે આની જગ્યાએ નાની નોટ જ એટીએમમાં ભરવામાં આવશે. પ૦૦ અને ર૦૦ રૂ.ની નોટની સાથે જ રૂ.૧૦૦ની નોટ પણ એટીએમમાં ભરવામાં આવશે. આનો અર્થ એ છે કે આવતા સમયમાં એટીએમમાંથી રૂ.ર૦૦૦ની નોટ મળવાનુ બંધ થશે.

બેન્કીંગ વર્તુળોના જણાવ્યા પ્રમાણે ટુંક સમયમાં એવો આદેશ આવી શકે છે કે બેંકોએ રૂ.ર૦૦૦ની નોટ ગ્રાહકો પાસેથી લેવાની પરંતુ આપવાની નહી એટલે કે બેંકો રૂ.ર૦૦૦ની નોટ સ્વીકારશે પરંતુ ગ્રાહકોને આપશે નહી. આ રીતે સરકાર ર૦૦૦ની નોટનું ચલણ ધીમે-ધીમે બંધ કરી દેવા માંગે છે.(૩-૧)

(9:23 am IST)