મુખ્ય સમાચાર
News of Friday, 12th January 2018

સેંસેક્સ ૮૯ પોઇન્ટ ઉછળી ૩૪,૫૯૨ની સપાટી ઉપર

સેંસેક્સે પ્રથમવાર રેકોર્ડ ઉંચી સપાટી હાસલ કરી : આઈસીઆઈસીઆઈ બેંક,ઓએનજીસી જેવા બ્લુચીપના નેતૃત્વમાં તેજી વચ્ચે નિફ્ટી ૧૦૬૫૦ની સપાટી કુદાવી

મુંબઇ,તા. ૧૨ : શેરબજારમાં આજે પણ તેજી જારી રહી હતી.કારોબારના અંતે સેંસેક્સ ૮૯ પોઇન્ટ ઉછળીને ૩૪૫૯૨ની ઉંચી સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૩૦ પોઇન્ટ ઉછળીને ૧૦૬૮૧ની ઉંચી સપાટી પર બંધ રહ્યો હતો. આજે શેરબજારમાં તેજી માટે કેટલાક કારણો રહ્યા હતા. જેથી આશા દેખાઇ રહી છે. બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં નજીવો ઉછાળો રહ્યો હોવા છતાં નવી ઉંચી સપાટી જોવા મળી હતી. નિફ્ટીએ ૧૦૬૫૦ની સપાટીને કુદાવી લીધી હતી. આઇસીાઇસીઆઇ બેંક અને ઓએનજીસી જેવા બ્લુ ચીપ શેરમાં તેજી રહી હતી. જો કે રોકાણકારો સુપ્રીમ કોર્ટના ચાર જજ દ્વારા જાહેરમાં નિવેદન કરીને વાંધો ઉઠાવ્યા બાદ ચિંતાતુર રહ્યા હતા. એશિયન બજારમાં પણ  હાલમાં ઉતારચઢાવની સ્થિતી જોવા મળી રહી છે. તેલ કિંમતોમાં સુધારો થઇ રહ્યો છે. તેલ કિંમતોમાં વધારો થતા તેની ચિંતા પણ દેખાઇ રહી છે. યુરોપિયન સેન્ટ્રલ બેંકે વ્યાપક સ્ટીમ્યુલસ પેકેજનો સંકેત આપ્યા બાદ યુરોપના દેશમાં પણ સ્થિતી સારી જોવા મળી રહી છે. અમેરિકી કમાણીના આંકડા પણ આશા જગાવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટના ઇતિહાસ માટે આજે નિરાશાજનક દિવસ રહેતા તેની ચર્ચા કારોબારીઓમાં પણ જોવા મળી હતી. ગઇકાલે ગુરૂવારના દિવસે સેંસેક્સે ઇતિહાસમાં પ્રથમ વખત ૩૪૫૦૦ની સપાટ કુદાવી લીધી હતી. રોકાણકારો આ સપ્તાહમાં જારી કરવામાં આવનાર કોર્પોરેટ કમાણીના આંકડાને લઇને આશાવાદી બનેલા છે. સાથે સાથે પહેલી ફેબ્રુઆરીના દિવસે જારી કરવામાં આવનાર સામાન્ય બજેટને લઇને પણ આશાવાદી બનેલા છે.ગુરૂવારે કારોબારના અંતે સેંસેક્સ ૭૦ પોઇન્ટ ઉછળીને ૩૪૫૦૩ની ઉંચી સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૯ પોઇન્ટ ઉછળીને ૧૦૬૫૧ની સપાટી પર રહ્યો હતો.  કોર્પોરેટ કમાણીના આંકડા વચ્ચે શેરબજારમાં આશા દેખાઇ રહી છે.  આ સપ્તાહમાં જ ચાવીરૂપ કોર્પોરેટ કમાણીના આંકડા જારી કરવામાં આવનાર છે. શેરબજારમાં પ્રવાહી સ્થિતી વચ્ચે હવે બજેટ પર પણ નજર કેન્દ્રિત થઇ ગઇ છે. કારણ કે બજેટને લઇને કેટલાક લોકલક્ષી પગલાની અપેક્ષા કારોબારીઓ રાખી રહ્યા છે. હાલમાં કોઇ જંગી રોકાણ ન કરાય તેવી વકી છે.

તેજીની સાથે સાથે.....

*           શેરબજારમાં જોરદાર તેજીનું મોજુ ફેલાયું

*           બેંચમાર્ક ઇન્ડેક્સ રેકોર્ડ ઉંચી સપાટીએ રહ્યા

*           સેંસેક્સ ૮૯ પોઇન્ટ ઉછળીને ૩૪૫૯૨ની સપાટીએ

*           નિફ્ટી ૩૦ પોઇન્ટ ઉછળી ૧૦૬૮૧ની સપાટીએ

*           ઇન્ફોસીસના પરિણામ જાહેર કરવામાં આવ્યા

*           પહેલી ફેબ્રુઆરીના દિવસે જારી કરવામાં આવનાર સામાન્ય બજેટને લઇને રોકાણકારો આશાવાદી બન્યા

*           આઈસીઆઈસીઆઈ બેંક અને ઓએનજીસી જેવા બ્લુચીપના નેતૃત્વમાં નિફ્ટીએ ૧૦૬૫૦ની સપાટી કુદાવી

*           નાણામંત્રી અરુણ જેટલી બજેટમાં લોકપ્રિય પગલા જાહેર કરે તેવી પ્રબળ સંભાવના

*           અમેરિકી કમાણીના આશાસ્પદ આંકડા જારી કરાયા

(7:59 pm IST)