મુખ્ય સમાચાર
News of Friday, 12th January 2018

બિટકોઇનની જેમ જિયો કોઇન લાવવા માગે છે મુકેશ અંબાણી?

જિયો બ્લોકચેન ટેકનોલોજી પર કામ કરી રહ્યાના અહેવાલો : ભારત જ નહીં આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સકારો ક્રિપ્ટો કરન્સીના વિરોધમાં

નવી દિલ્હી તા. ૧૨ : શું દેશના સૌથી ધનાઢ્ય અને સફળ બિઝનેસ મેન મુકેશન અંબાણીના ફયુચર પ્લાનમાં ક્રિપ્ટો કરંસી પણ છે? એક અહેવાલ અનુસાર રિયાલન્સ જિયો ઇન્ફોકોમ પોતાની ક્રિપ્ટોકરંસી જિયો કોઇન લાવવાની તૈયારી કરી રહ્યું છે.

બિઝનેસ ન્યુઝપેપર મિંટના અહેવાલમાં દાવો કર્યા મુજબ ૫૦ સદસ્યોની એક ટીમ મુકેશ અંબાણીના મોટા દીકરા આકાશ અંબાણીની આગેવાનીમાં બ્લોકચેન ટેકનોલોજી પર કામ કરી રહી છે. આ માહિતી એવા સમયે આવી છે જયારે દુનિયાની સાથે ભારતમાં પણ બિટકોઇન કાયદેસર કે ગેરકાયદેસર મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે.

હાલમાં જ સાઉથ કોરિયામાં ક્રિપ્ટોકરન્સી એકસચેન્જ અને તેને માન્યતા આપવાવાળી બેંકસ પર ત્યાંની સરકારે કડક કાર્યવાહી કર્યા બાદ બિટકોઇનના ભાવમાં કડાકો બોલ્યો છે. દ. કોરિયામાં ક્રિપ્ટોકરંસી એકસેચેન્જો પર તાળા લાગવાની સ્થિતિમાં દુનિયાભરમાં તેની માગને સૌથી વધુ અસર થવાની શકયતા જોવાઈ રહી છે. કેમ કે, દુનિયાની કુલ ક્રિપ્ટોકરન્સી બજારમાં ૨૦% જેટલો ભાગ એકલા દ. કોરિયાનો છે.

બ્લૂમબર્ગ દ્વારા મેળવાયેલા આંકડા મુજબ, આ કાર્યવાહીથી બિટકોઇનની કિંમત ૧૨ ટકા જેટલી ઘટીને ૧૨,૮૦૧ ડોલર થઈ ગઈ છે. જોકે પછીથી ૬ ટકા જેટોલ સુધારો આવ્યો હતો. ત્યારે તેના જીવી જ બીજી ક્રિપ્ટોકરન્સી રિપલ ૧૪ ટકા અને ઇથેરિયમ ૪ ટકા જેટલી તૂટી ગઈ છે.

હકીકતમાં, દુનિયાભરમાં ડિજિટલ કરન્સીના વધતા વ્યાપ અને તેના વધતા ભાવ તરફ લોકોનું પાગલપન જોઈને સાવચેત થઈ ગઈ છે. ફકત સામાન્ય લોકો કે રોકાણકારો જ નહીં વોલસ્ટ્રીટ બેંક પણ ક્રિપ્ટોકરંસીઝ પ્રત્યે આકર્ષીત થઈ રહી છે.

ભારતમાં પણ નાણાં પ્રધાન અરુણ જેટલી અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ચેતવણી આપી છે કે, 'લોક બિટકોઇનનો વેપાર પોતાના રિસ્ક પર કરે. સરકારનું કહેવું છે કે દેશમાં બિટકોઇન સહિત કોઈપણ ક્રિપ્ટોકરન્સી માન્ય મુદ્રા નથી.'

જોકે હાલ જિયોએ તેની આ ડિજિટલ કરંસીના અહેવાલ અંગે કોઇ સત્તાવાર ટિપ્પણ કરી નથી. જોકે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બ્લોકચેન ટેકનોલોજી દ્વારા સ્માર્ટ કોન્ટ્રાકટ્સનો ફાયદો લેવાની અંબાણીની યોજના હાલ પ્રારંભીક ધોરણે છે.

(4:01 pm IST)