મુખ્ય સમાચાર
News of Friday, 12th January 2018

ઈસરોએ રચ્યો ઇતિહાસઃ સેટેલાઇટ લોન્ચીંગની સદી નોંધાવી

આજે સવારે શ્રી હરિકોટા ખાતેથી વિવિધ દેશોના ર૮ સહિત ૩૧ ઉપગ્રહોનું સફળતાપુર્વક લોન્ચીંગઃ ભારતની સફળતાથી પાકિસ્તાન રઘવાયુઃ ભારતીય સેટેલાઇટ પાકિસ્તાનના આતંકી ઠેકાણા ઉપર નજર રાખશેઃ સારી ગુણવતાવાળી તસ્વીરો મળશે

શ્રી હરિકોટા તા.૧ર : અંતરિક્ષ દુનિયામાં ભારતે ઇતિહાસ રચ્યો છે. અંતરિક્ષ વિજ્ઞાનના ક્ષેત્રમાં તમામ કિર્તીમાન પોતાના નામે કરી ચુકેલ ઇસરોએ આજે વધુ એક રેકોર્ડ સ્થાપિત કરી ૧૦૦મો ઉપગ્રહ લોન્ચ કર્યો છે. ઇસરોએ આજે એક સાથે ૩૧ સેટેલાઇટ લોન્ચ કર્યા. ઇસરો તરફથી પીએસએલવી-સી-૪૦ રોકેટ થકી લોન્ચ કરવામાં આવેલા ૩૧ સેટેલાઇટમાં ર૮ વિદેશી અને ત્રણ સ્વદેશી ઉપગ્રહ સામેલ છે. વિદેશી સેટેલાઇટની વાત કરીએ તો તેમા કેનેડા, ફીનલેન્ડ, ફ્રાન્સ, દ.કોરીયા, બ્રિટન અને અમેરિકાના ઉપગ્રહ સામેલ છે. આજે સવારે ૯.ર૮ કલાકે ઇસરોએ આ ઇતિહાસ રચ્યો હતો. પીએસએલવી શૃંખલાના સેટેલાઇટનું નામ કાર્ટોસેટ-ર છે. આ સેટેલાઇટને આઇ ઇન ધ સ્કાયના નામથી ઓળખવામાં આવે છે કારણ કે તે અંતરિક્ષથી તસ્વીરો લેવા માટે બનાવવામાં આવેલ છે. આ થકી ત્રાસવાદી પ્રવૃતિ ઉપર પણ નજર રાખવામાં આવશે.

સવારે અહીના લોન્ચીંગ પેડ ઉપરથી આ ઐતિહાસિક લોન્ચીંગ કરવામાં આવ્યુ હતુ. આ સેટેલાઇટમાં ભારતનો એક માઇક્રો અને એક નેનો સેટેલાઇટ છે. જયારે છ અન્ય દેશોના ત્રણ માઇક્રો અને રપ નેનો સેટેલાઇટ છે. ભારતની આ સફળતાથી પાકિસ્તાનના પેટમાં ઉકળતુ તેલ રેડાયુ છે કારણ કે પાકિસ્તાનને ડર છે કે જો ભારતે પોતાના ત્રણેય ઉપગ્રહને સફળતાપુર્વક અંતરિક્ષની કક્ષામાં પ્રક્ષેપિત કરી દેશે તો સીમા પર તેના નાપાક ઇરાદાને જોરદાર આંચકો લાગશે.

ઇસરોનું આ ૧૦૦મુ ઉપગ્રહનું લોન્ચીંગ હતુ. આ લોન્ચીંગ ભારત માટે મહત્વનુ હતુ કારણ કે આ પહેલા પીએસએલવી-૩૯ મીશન ફેઇલ ગયુ હતુ અને ભારતીય વૈજ્ઞાનિકોએ ફરી એક વખત તેની મરામત કરી તેનુ ફરીથી લોન્ચીંગ કર્યુ છે. એક મીશનને મરામત કરી ફરીથી લોન્ચીંગ કરવુ એ મોટી વાત હોય છે.

આ બધા ૩૧ સેટેલાઇટનું વજન ૧૩ર૩ કિલોગ્રામ છે. ભારતે મોકલેલા સેટેલાઇટ થકી ઉચ્ચ ગુણવતાની તસ્વીરો મળશે. તેમાં મલ્ટી સ્પેકટ્રલ કેમેરા લાગેલા છે જેનાથી દરિયા કિનારાના વિસ્તારો, શહેરી અને ગ્રામીણ વિસ્તારો, માર્ગો અને જળ વિતરણ વગેરે ઉપર નજર રખાશે. જે ૩૧ ઉપગ્રહો છોડવામાં આવ્યા છે તેમાં અમેરિકાના ૧૯, દ.કોરીયાના પ, ફ્રાન્સ, કેનેડા, બ્રિટન અને ફીનલેન્ડના એક-એક ઉપગ્રહો છે. કાર્ટોસેટ-રનું વજન ૭૧૦ કિલો છે જે આ મીશનનું પ્રાથમિક ઉપગ્રહ છે.

(4:03 pm IST)