મુખ્ય સમાચાર
News of Friday, 12th January 2018

GST પરિષદ ઇ-વાહન, સિંચાઇના ઉપકરણોના દરો ઘટાડશે

કૃષિ અને ગ્રામીણ અર્થવ્યવસ્થાની સાથે સ્વચ્છ ઉર્જાને પ્રોત્સાહન આપવા માટે સિંચાઇના ઉપકરણોના દરો ૧૮ ટકાથી ઘટાડી ૧ર ટકા તો બાયો ડિઝલ અને ઇલેકટ્રીક વાહનો પરના દરો ર૮ ટકાથી ઘટાડી ૧૮ ટકા કરશેઃ ડિજીટલ કેમેરાના દરો ર૮ ટકાથી ઘટાડી ૧૮ ટકા કરાશેઃ બજેટ પુર્વે સરકાર ગ્રામીણ, કૃષિ અને નાના એકમોને પ્રોત્સાહન આપવાના પગલા જાહેર કરશે

નવી દિલ્હી તા.૧ર : જીએસટી પરિષદની આવતા સપ્તાહે યોજાનારી પોતાની બેઠકમાં બાયો ડિઝલ બસો, ઇલેકટ્રીક વાહનો અને સિંચાઇના કેટલાક ઉપકરણો જેવી કેટલીક વસ્તુઓ પર કરોના દરોમાં ઘટાડો કરી શકે છે. આ પગલાનો હેતુ કૃષિ અને ગ્રામીણ અર્થવ્યવસ્થાની સાથે જ સ્વચ્છ ઉર્જાને પ્રોત્સાહન આપવાનો છે. ૧લી ફેબ્રુઆરીના રોજ રજુ થનારા સામાન્ય બજેટ પહેલા કદાચ જીએસટી પરિષદની આ અંતિમ બેઠક હશે. દરોમાં ઘટાડા માટે અપેક્ષાકૃત નાની યાદીને આ સપ્તાહે ફીટમેન્ટ સમિતિ દ્વારા અંતિમ ઓપ અપાશે. જેના પર કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીના નેતૃત્વવાળી બેઠકમાં નિર્ણય લેવાશે.

આ મામલાથી માહિતગાર એક અધિકારીએ જણાવ્યુ છે કે ગ્રામીણ અર્થવ્યવસ્થા અને સ્વચ્છ ઉર્જાને પ્રોત્સાહન આપતી વસ્તુઓને જ પરિષદની આગામી બેઠકમાં દરો ઘટાડવા માટે પસંદ કરવામાં આવી છે. ર૮ ટકાના કર દાયરાવાળી અન્ય વસ્તુઓ પર આ વખતે વિચાર નહી કરાઇ કારણ કે આવકમાં હજુ સ્થિરતા નથી આવી. સિંચાઇના ઉપકરણોના દરો ૧૮ ટકાથી ઘટાડી ૧ર ટકા કરવામાં આવશે તો બાયો ડિઝલ અને ઇલેકટ્રીક વાહનો પરના દરો ર૮ ટકાથી ઘટાડી ૧૮ ટકા કરવામાં આવશે.

સેન્ટ્રલ સ્ટેટસ્ટીક ઓફિસ દ્વારા ર૦૧૮માં કૃષિ ક્ષેત્રનો વિકાસ દર ઘટીને ર.૧ ટકા રહે તેવુ અનુમાન છે. રવિ પાકના ઉત્પાદનમાં ઘટાડાની શકયતા છે અને ખરીફ પાક ૩ ટકા ઘટવાને કારણે કૃષિ ક્ષેત્રના દેખાવ ઉપર અસર પડે તેવી શકયતા છે. સુત્રો કહે છે કે જીએસટી પરિષદ કેટલીક ચીજો પર દરો ઘટાડવા વિચાર કરી શકે છે જેમાં કૃષિ ઉપકરણ અને કૃષિ ક્ષેત્ર સાથે સંબંધિત ચીજો હોય શકે છે. નવેમ્બરમાં આવક ઘટતા સરકાર દરોમાં ઘટાડાને લઇને વધુ સતર્કતા રાખી રહી છે. સામાન્ય ચૂંટણી પહેલા અંતિમ પુર્ણ બજેટમાં સરકાર ગ્રામીણ, કૃષિ અને નાના એકમોને પ્રોત્સાહન આપવાના પગલાઓ જાહેર કરી શકે છે.

અપ્રત્યક્ષ કરને લઇને નિર્ણય હવે જીએસટી પરિષદ લ્યે છે. કર્ણાટકે પર્યાવરણ અનુકુળ બાયો ડિઝલ બસોને પ્રોત્સાહન આપવાનુ શરૂ કર્યુ છે. નિગમે કેટલીક બસો પણ શરૂ કરી છે. પરિષદ ડિજીટલ કેમેરાના દર ર૮ ટકાથી ઘટાડી ૧૮ ટકા કરવા વિચાર કરી શકે છે. નિકોન, કેનન અને સોની જેવી કંપનીઓએ સ્માર્ટ ફોનથી મળતી આકરી પ્રતિસ્પર્ધા વચ્ચે ઉદ્યોગની વચ્ચે દરો ઘટાડવાની માંગણી કરી છે.

(10:07 am IST)