મુખ્ય સમાચાર
News of Wednesday, 12th December 2018

અમિત શાહ અને નરેન્‍દ્ર મોદી અઘરી પરીક્ષામાં જ નાપાસ થયા!?

આખું ગણિત ફરી ગયું : નોટબંધી જેવા આકરા નિર્ણય પર થઇ રહ્યા છે સવાલ : તાત્‍કાલિક રિઝલ્‍ટ આપે તેવું કંઇક કરવું પડશે

નવી દિલ્‍હી તા. ૧૨ : મધ્‍યપ્રદેશ, રાજસ્‍થાન અને છત્તીસગઢમાં ભાજપને મળેલો પરાજય માત્ર પરાજય નહીં, પણ તેનાથી વિશેષ છે. લોકસભાની ચૂંટણીને હવે સાવ થોડો સમય રહી ગયો છે, ત્‍યારે આ રાજયોના પરિણામ સૂચવી રહ્યાં છે કે ભાજપનો સઘળો મદાર જેમના પર છે તેવા પીએમ મોદી અને રાષ્ટ્રીય અધ્‍યક્ષ અમિત શાહનો પ્રભાવ હવે ઘટી રહ્યો છે?

આમ તો ભાજપ મધ્‍ય પ્રદેશ તેમજ છત્તીસગઢમાં ૧૫ વર્ષથી સત્તા પર હતો, માટે એન્‍ટિઈન્‍કમ્‍બન્‍સી હોવી પણ સ્‍વાભાવિક હતી. જોકે, આ રાજયોમાં રાજસ્‍થાન પેટર્નની જેમ જનતા દર પાંચ વર્ષે સરકાર નથી બદલતી, માટે એન્‍ટિઈન્‍કમ્‍બન્‍સીના પડકારને ઝીલી બંને રાજયોમાં જીત મેળવવી મોદી અને શાહ માટે જરૂરી હતી, જોકે તેમાં તેઓ નિષ્‍ફળ સાબિત થયા છે.

આ ચૂંટણીઓ ભલે રાજયોની હતી, પરંતુ લોકસભાની ચૂંટણી પહેલા જ થયેલી પરીક્ષામાં ભાજપનું નાપાસ થવું હવે તેના પર કંઈક જબરજસ્‍ત પ્‍લાન બનાવવા પર મોટું દબાણ સર્જશે. પીએમ મોદી હવે પોતાના તમામ ભાષણમાં ૨૦૨૨ની વાતો કરતા સાંભળવા મળે છે, પરંતુ હવે તેમને કંઈક એવું લઈને આવવું પડશે કે જેના પરિણામ માટે જનતાને લાંબો સમય રાહ ન જોવાની હોય.

રિસ્‍ક લેવા માટે જાણીતા મોદી અને અમિત શાહ જે પણ રાજયોમાં પરાજય મળ્‍યો છે, તેમાં કેટલાક સિટિંગ ધારાસભ્‍યો સામે સર્જિકલ સ્‍ટ્રાઈક કરી દેવાનો અફસોસ કરી રહ્યા હશે. આ રાજયોમાં એન્‍ટિઈન્‍કમ્‍બન્‍સી ફેક્‍ટરને ટાળવા અમિત શાહે અડધોઅડધ ધારાસભ્‍યોને ઘરભેગા કર્યા હતા. મોદી અને શાહ ઉમેદવારોની પસંદગીમાં સ્‍થાનિક નેતાઓની સલાહને અનુસર્યા હતા, જેથી પરાજયની જવાબદારી તેમના પર ન આવી જાય.

આ બંને નેતાઓએ તમામ રાજયોમાં પ્રચાર કરવામાં કોઈ કસર નહોતી છોડી. મોદીએ પાંચ રાજયોમાં ૩૦ રેલીઓ જયારે અમિત શાહે ૧૭૦ જાહેર સભાઓ કરી હતી. આ પાંચ રાજયોમાં લોકસભાની કુલ ૮૩ બેઠકો આવે છે, જેમાંથી ૨૦૧૪માં થયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપે ૬૩ જયારે કોંગ્રેસે માત્ર છ બેઠકો પર વિજય મેળવ્‍યો હતો. જોકે, વિધાનસભા ચૂંટણીના પરિણામ અનુસાર, હવે આ ૬૩ બેઠકમાંથી ભાજપ માત્ર ૨૦ જયારે કોંગ્રેસ ૪૬ બેઠકો જીતી શકે તેમ છે.

આ પરાજયથી મોદી કે અમિત શાહની નેતાગીરી કે પક્ષમાં તેમના પ્રભાવ પર કશોય ફરક પડવાનો નથી. જોકે, તેમને કેટલીક ટીકાનો સામનો તો ચોક્કસ સામનો કરવો જ પડશે. મોદીની નોટબંધી સહિતની નીતિઓ સામે પણ હવે સવાલ ખડા થઈ રહ્યા છે, જેનો અગાઉ પણ વિરોધ થયો હતો. જોકે, ભાજપના પ્રવક્‍તા જીવીએલ નરસિંહા રાવનું કહેવું છે કે, વિધાનસભાની ચૂંટણીઓ સ્‍થાનિક મુદ્દાઓ પર લડાઈ હતી

(4:17 pm IST)