ફેસબુકની ઓફિસમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી : આખા બિલ્ડીંગને ખાલી કરાવાયુ
પોલીસે ઝેફરસન ડ્રાઇવ એરિયામાંથી લોકોને દૂર ખસેડવાની કાર્યવાહી શરૂ કરી છે : ઝેફરસન ડ્રાઇવ ફેસબુકની સાથે સાથે ઇન્ટ્રાગ્રામની પણ ઓફિસ છે
લોસ એન્જલસ તા. ૧૨ : કેલિફોર્નિયા ખાતે આવેલા ફેસબુક કેમ્પસની એક બિલ્ડિંગને ખાલી કરાવવામાં આવ્યું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે બિલ્ડિંગમાં બોમ્બ હોવાની ધમકી બાદ તેને ખાલી કરાવવામાં આવ્યું છે.
મેનલો પાર્ક પોલીસ ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે ધ સેન સેટેઓ બોમ્બ યુનિટ ઘટનાસ્થળે પહોંચી ગયું છે અને તપાસ કરવામાં આવી રહી છે. આ અંગે ફેસબુક તરફથી તાત્કાલિક કોઈ જ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
મંગળવારે સાંજે પાંચ વાગ્યે બોમ્બની ધમકી મળી હતી. મળતી માહિતી પ્રમાણે ન્યૂયોર્ક પોલીસ ડિપાર્ટમેન્ટના ક્રાઇમ સ્ટોપર્સ યુનિટને ધમકી આપવામાં આવી હતી. જે બાદમાં સ્થાનિક અધિકારીઓને એલર્ટ કરવામાં આવ્યા હતા અને ફેસબુક કેમ્પસની બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવી હતી. પોલીસે ઝેફરસન ડ્રાઇવ એરિયામાંથી લોકોને દૂર ખસેડવાની કાર્યવાહી શરૂ કરી છે. નોંધનીય છે કે ઝેફરસન ડ્રાઇવ ફેસબુકની સાથે સાથે ઇન્ટ્રાગ્રામની પણ ઓફિસ છે.